3028

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠકમાં આજે ગાંધીનગરમાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જે ૧૧ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેવા ચોટિલા ૪પ૦ મિ.મી. ટંકારા ૩૪૦ મિ.મી. રાજકોટ ર૩૮ મિ.મી. કપરાડા ર૬૦ મિ.મી. વગેરેમાં પાણીની સ્થિતી અને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતરની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે જિલ્લાતંત્રોની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. 
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યસચિવ ડૉ. જે.એન.સિંઘ, ગૃહના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસૂલ અગ્ર સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રી ના અગ્રસચિવ એસ. અપર્ણા, અશ્વિનીકુમાર, રાહત નિયામક એ.જે.શાહ તથા હવામાન વિભાગ, એન.ડી. આર. એફ. ના અધિકારીઓએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને સ્થિતિથી વાકેફ કર્યા હતા. વિજય રૂપાણીએ સંબંધિત જિલ્લા તંત્રોની સતર્કતાને કારણે ભારે વરસાદ છતાં પણ કયાંય જાનહાનિ કે મોટી દુર્ધટના સર્જાઇ નથી તેની સમીક્ષા કરી કલેકટર, પંચાયત, પોલીસ સહિતના તંત્રવાહકોને વધુ સર્તક રહેવા તાકિદ કરી હતી. 
હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને પગલે છેલ્લા બે દિવસોથી મુખ્ય સચિવ અને મહેસૂલ અગ્રસચિવ દ્વારા જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને એલર્ટનેસની સતત સમીક્ષા-સૂચનાઓ આપવામાં આવતી હતી એટલું જ નહિ, એન.ડી.આર.એફ. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના પણ સંપર્કમાં રહીને માર્ગદર્શન અપાતું રહ્યું હોઇ આ કુદરતી આફતનું મોટું નુકશાન નિવારી શકાયું છે. મુખ્યમંત્રીએ બેઠકમાં સમગ્ર રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને પગલે તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.