3045

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આઈપીએસ અધિકારીઓની બદલીઓનો રાજકીય તખ્તો તૈયાર થઈ ચુક્યો છે અને આગામી થોડા દિવસોમાં જ ૫૦થી વધુ આઈપીએસ અધિકારીઓની મોટાપાયે બદલીઓનો દોર શરૂ થશે.
વિધાનસભાની ચૂંટણીને હવે માંડ થોડા જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ બદલીઓ કરીને જિલ્લામાં મુકાનારા એસપી રેન્કના અધિકારીને જ મુશકેલીઓ ઊભી થવાની છે. ગૃહ વિભાગના સૂત્રો અનુસાર આશરે ૨૦ જેટલા જિલ્લા પોલીસ વડાઓ (ડ્ઢજીઁ) ની બદલીની શક્યતાઓ છે.
જેમાં ભાવનગરના દિપાંકર ત્રિવેદી, સાંબરકાંઠાના પી એલ માલ, અરવલ્લી એસપી કે એન ડામોર, સુરત ગ્રામ્ય એસપી નિર્લિપ્ત રાય, વડોદરા ગ્રામ્ય એસપી સૌરભ તૌલંબિયા, આણંદ એસપી સૌરભ સીંગ, ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવ, સુરેન્દ્રનગર એસપી દિપક મેઘાણી, પાટણ, કચ્છ પૂર્વ, નવસારી, બનાસકાંઠાં, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને છોટા ઉદેપુરના ડીએસપીની બદલીઓ થશે. ડીએસપી ઉપરાંત રાજકોટ રેન્જ ડીઆઈજી ડી એન પટેલ, બોર્ડર રેન્જના આઈજી એ કે જાડેજા, જુનાગઢ રેન્જ આઈજી એસ પાંડ્યા રાજકુમાર, ભાવનગર આઈજીની બદલીઓ થાય તેવો પવન ચાલી રહ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજીની જગ્યા પણ છેલ્લા દસ મહિનાથી ચાર્જમાં ચાલે છે તેથી શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે કે તે પદ પર નવા આઈજી મુકવામાં આવશે. ગોધરા રેન્જના ડીઆઈજી અભયસિંહ ચૂડાસમાને સુરત રેન્જમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળતાથી જોવાઈ રહી છે.