1853

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી એન્યુઅલ જનરલ મિટીંગનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. ૮૧ સભ્ય દેશોના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ભારત ભલે રમતના ક્ષેત્રમાં લાંબી રેસમાં આફ્રિકાની બરોબરી ના કરી શકે, પરંતુ આફ્રિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા સમયગાળા સુધી ખભેખભા મિલાવીને જરૂર દોડી શકશે. તેમણે બેઠક સફળ અને ફળદાયી રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. 
‘કૃષિ રૂપાંતરણથી આફ્રિકન દેશોમાં સમૃદ્ધિ નિર્માણ’ની થીમ પર આયોજિત આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના શુભારંભ સમારોહમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતે રેલવે, હાઈ-વે, પાવર અને ગેસ પાઈપલાઈન જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં, મૂડીરોકાણમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતનું એક પણ ગામડું વીજળીકરણ વિનાનું નહીં હોય. ‘ક્લીન ગંગા’, પુનઃપ્રાપ્ય ઊર્જા, ડીજીટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી, દરેક માટે ઘર અને સ્કીલ ઈન્ડિયા ઝુંબેશથી સ્વચ્છ, સમૃદ્ધ અને વિકાસશીલ ‘નૂતન ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભારત ક્લાઈમેન્ટ ફ્રેન્ડલી વિકાસ માટે ઉદાહરણરૂપ ‘ગ્રોથ એન્જિન’ બને એવું અમારું લક્ષ્ય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. 
વ્યાપાર પ્રવૃત્તિ માટે વિખ્યાત ગુજરાતીઓ આફ્રિકા પ્રત્યેના પ્રેમ માટે પણ પ્રખ્યાત છે. એક ભારતીય તરીકે અને વિશેષ કરીને એક ગુજરાતી તરીકે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બેઠક ભારતમાં-ગુજરાતમાં યોજાઈ રહી છે. પૂર્વીય આફ્રિકા સાથે ગુજરાત અને ભારતના ઐતિહાસિક અનુસંધાનો અને સામ્યતાઓ વર્ણવીને કહ્યું હતું કે, આ બેઠક આબિદજન અમદાવાદ સાથે જોડશે. બામકો અને બેંગ્લોર વચ્ચે બિઝનેસ લિન્ક સ્થપાશે. ચેન્નાઈ અને કેપટાઉન ક્રિકેટીંગ લિન્કથી કનેક્ટ થશે. દિલ્હી અને દાકર ડેવલપમેન્ટ લિન્કથી જોડાશે. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આફ્રિકા સાથેની ભારતની પાર્ટનર શીપ શ્રેષ્ઠ વિકાસ સહયોગના પાયા પર રચાયેલી છે, જે આફ્રિકન દેશોની જરૂરિયાતોની પરિપૂર્તિ કરશે. આ સહયોગ આફ્રિકન દેશોની આવશ્યકતા અનુસાર અપેક્ષા રહિત રહેશે. 
છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છ આફ્રિકન દેશોની મુલાકાત લીધી છે. ભારતના રાષ્ટ્રપતિએ ત્રણ આફ્રિકન દેશો અને ઉપરાષ્ટ્રપતિ એ સાત આફ્રિકન દેશોની મુલાકાત લીધી છે. આ બાબતે ગર્વ અનુભવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના મંત્રીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં આફ્રિકાના એક-એક દેશની મુલાકાત લીધી છે. વર્ષોથી મોમ્બાસા અને મુંબઈ વચ્ચે વ્યાપારિક અને સામુદ્રીક વ્યાપારના સંબંધો રહ્યાં છે, પરંતુ આ એન્યુઅલ મિટીંગથી ભારત અને આફ્રિકાના સંબંધો વધુ પ્રગાઢ બનશે. 
આફ્રિકાના વિકાસ માટે ભારત દેશ અમેરિકા અને જાપાન સાથે પણ કાર્યરત છે. જાપાનની મુલાકાત દરમિયાન તેમણે આ અંગે વડાપ્રધાન શ્રી આબે સાથે વાત કરી હતી અને સંયુક્ત નિવેદનમાં એશિયા-આફ્રિકા ગ્રોથ કોરિડોરની હિમાયત કરી હતી. તેમણે ભારતીય અને જાપાનીઝ સંસ્થાઓ દ્વારા તૈયાર થયેલા વિઝન ડોક્યુમેન્ટની પણ નોંધ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની પેરિસમાં યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં જાહેર કરાયેલી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે આફ્રિકન દેશોના પ્રોત્સાહક પ્રતિભાવની પણ નોંધ લીધી હતી. 
આ પ્રસંગે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપના પ્રમુખ અકીવુમી આદેસિના (છૌહુેદ્બૈ છઙ્ઘીજૈહટ્ઠ) એ બેંકની બાવનમી વાર્ષિક બેઠકના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતે ઔદ્યોગિક, કૃષિ, સિંચાઇ, આરોગ્ય, ચોવીસ કલાક વીજળી વગેરે ક્ષેત્રે જે વિકાસ સાધ્યો છે તે ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રભાવશાળી નેતૃત્વને પરિણામે વિકાસને નવી દિશા મળી છે તેમ પણ જણાવ્યું હતું. 
આદેસિનાએ આફ્રિકન દેશો વિકાસના ધોરીમાર્ગે ઝડપથી આગળ વધે તે માટે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. આફ્રિકન દેશોના સર્વાંગી વિકાસ માટે બેંક દ્વારા ‘હાઇ ફાઇવ’ 
 મહત્વના પાંચ ક્ષેત્રોને વિશેષ મહત્વ આપ્યું છે. જેમાં લાઇટ અપ એન્ડ પાવર આફ્રિકા દ્વારા ઊર્જા ક્ષેત્રે  મહત્વનો વિકાસ સાધવામાં આવી રહ્યો છે. મોરોક્કો ખાતે વિશ્વનો મોટામાં મોટો સોલાર પાર્ક આકાર લઇ રહ્યો છે. આજ રીતે કેન્યામાં વિશ્વનો મોટો પાવર ઊર્જા પ્રોજેકટ સ્થપાઇ રહ્યો છે. બીજુ ક્ષેત્ર ફિડ આફ્રિકા અંતર્ગત ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષેત્રે ઈન્ટીગ્રેટેડ આફ્રિકા અંતર્ગત ઉત્પાદન ક્ષેત્રે, ઇન્ટીગ્રેટેડ આફ્રિકા અંતર્ગત આફ્રિકન દેશોના આંતરિક વ્યવહારને વધુ મજબૂત બનાવવા માળખાગત સુવિધા ક્ષેત્રે ચોથા ક્ષેત્ર તરીકે ગુણવત્તાયુક્ત જીવનધોરણ સુધાર ઉપરાંત પાંચમા ક્ષેત્ર તરીકે ઇન્ડસ્ટ્રીયલાઇઝ આફ્રિકા દ્વારા આફ્રિકાના ઔદ્યોગિક વિકાસ ઉપર બેંક દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. 
આફ્રિકન દેશોના આર્થિક વિકાસદર ગયા વર્ષે ૨.૨ ટકા હતો જે વધીને આ વર્ષે ૩.૪ ટકા થયો છે. આફ્રિકન દેશોએ ફેલાવેલા સપનાને સાકાર કરવા માટે નક્કર કાર્ય જરૂરી હોવા ઉપર ભાર આપતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશો સંસ્થાકીય સુધારાઓ, વ્યાપારિક  વિકાસ, મહિલા સશક્તિકરણ, ગ્રીન રીવોલ્યુશન, કૃષિ સુવિધાઓ એગ્રો ઇન્ડસ્ટ્રીયલ ઝોન સહિતના વિકાસ અને માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે પુરતા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભારત સાથેનો સહયોગ વિકાસ માટે નવી દિશા ખોલી આપશે. તેમણે આફ્રિકન દેશોના વિકાસ સહયોગ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.