3027

ગાંધીનગરમાં સેકટર-૭ ખાતે રૂ.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સી કક્ષાના ૨૮૦ યુનિટ ધરાવતી સાત માળના દસ બ્લોકનું લોકાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે આ ઇમારત માટે રૂ.૬૩ કરોડ મંજૂર કર્યા હતા. રાજય સરકારના પારદર્શક વહીવટ અને ઓન લાઇન ટેન્ડર પદ્ધતિ દ્વારા આ સરકારી આવાસો રૂ.૪૫ કરોડમાં બન્યા છે.
આમ સરકારના કરોડો રૂપિયા બચાવીને બીજા ૫૬ વધુ મકાનો આ જગ્યાએ નવા બંધાશે. રાજય સરકારના કર્મચારીઓને સારી સુવિધા વાળા મકાનો પ્રાપ્ત થાય અને જમીન બચે તે માટે રાજયમાં તમામ જિલ્લા અને તાલુકા મથકોએ સરકારી કર્મચારીઓ માટે બહુમાળી આવાસો બાંધવાનું આયોજન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં વર્ષો જૂના સરકારી આવાસોની જગ્યાએ નવી બહુમાળી આવાસો બાંધવાની ઝુંબેશ હાથ ધરી છે. સરકારી આવાસોની બાજુમાં જ શોપીંગ સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. ગાંધીનગર સ્માર્ટ સીટી જાહેર થતાં રૂ.૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.
રાષ્ટ્રભકત શ્યામજી કૃષ્ણ વર્માના નામ સાથે આ વસાહતને જોડીને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રેમી ગાંધીનગરની જનતા પાટનગરને વધુ સ્વચ્છ અને હરીયાળું બનાવે. મંત્રીના હસ્તે ગાંધીનગરના કર્મચારીઓને સરકારી મકાનના ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સરકારી વસાહતમાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ગુડાના ચેરમેન આશિષભાઇ દવે, ગાંધીનગરના મેયર પ્રવીણભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય ઇજનેર કે.એમ.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સરકારી વસાહતના વિશાળ પટાંગણમાં કર્મચારીઓ સહિત મહિલાઓએ વૃક્ષારોપણ કર્યું હતું.