7166

ગુજરાતમાં કહેવાતા પ્રજાના સેવક એટલે ધારાસભ્યનો પગાર સતત વધતો ચાલ્યો છે. એકવાર ભાજપના જ મહેન્દ્ર મસરૂએ પગાર વધારાનો વિરોધ કર્યો હતો પરંતુ તેમની કમનસીબી કે આ ચૂંટણીમાં તેઓ સજજન હોવા છતાં હારી ગયા છે. પ્રજાના પૈસાના આ ટ્રસ્ટીઓ પોતાની જાતને પ્રજાના સેવકો તો ગણાવે છે પરંતુ પૈસા લેવામાં પાછી પાની કરતાં નથી. 
ધારાસભ્યોને રાહતદરે મળતા ૩૩૦ વારના પ્લોટ એ સફેદ ભ્રષ્ટાચારથી વધુ કઈં જ નથી. કારણ કે તેની કિંમત ૧ થી ૧.પ કરોડ બજારમાં બોલાય છે. કેટલાય ધારાસભ્યો બનીને પ્લોટ મારફતે કરોડપતિ બની ગયા છે. ફકત ગુજરાતના સેવકો જ નહીં પરંતુુ દેશના સેવકોની પણ આ જ દશા છે. પ્રજાના સેવકોએ પ્રજાનો વિશ્વાસ રાખવાને બદલે દલા તલવાડી વાડી કરી પગાર વધારો કર્યો છે. જે ૧ર૦૦ % જેટલો થવા જાય છે. 
દેશ ભલે આજે ભુખમરાનો શિકાર બનેલો હોય પરંતુ આપણા પ્રતિનિધિઓની સ્થિતિ બહેત્તર બનતી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ધારાસભ્યોના વેતનમાં સરેરાશ લગભગ ૧ર૦ ટકાનો વધારો થયો છે. જો દેશના રાજયોમાં મોજુદ ધારાસભ્યોના વેતનની સરેરાશ કાઢવામાં આવે તો એક લગભગ ૧ લાખ  ૧૦ હજાર થાય છે. તેમાં રાજયોના ધારાસભ્યોને મળતી સુવિધાઓ પણ સામેલ છે. ધારાસભ્યોની વાત કરીએ તો દેશના સૌથી નવા રાજય તેલંગાણાના ધારાસભ્યોને સૌથી વધુ વેતન મળે છે. અત્યાર સુધીમાં ૧૭૦ ટકા વેતન વધી ગયુ છે તે પછી દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર અને આંધ્રનો ક્રમ આવે છે. ત્રિપુરાના ધારાસભ્યનું વેતન સૌથી ઓછુ છે. ધારાસભ્યોના વેતનમાં તેમનું ટ્રાવેલીંગ એલાઉન્સ, મતવિસ્તાર એલાઉન્સ પણ સામેલ હોય છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષમાં ધારાસભ્યોનો પગાર ૧ર૦૦ ટકા જેટલો વધી ગયો છે. આમ છતાં સુખ-સાહીબીમાં આળોટતા ધારાસભ્યો કાયમ પગાર વધારાની વાત કરતા હોય છે. ધારાસભ્યોને જેટલુ વેતન મળે છે તેનાથી વધુ તેઓ કમાતા હોય છે. 
લોકોનું માનવુ છે કે તેઓનો પગાર તો જમા જ રહેતો હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું વેતન ૩,૬૦,૦૦૦ છે. તેમા ટ્રાવેલીંગ એલાઉન્સ સામેલ નથી. દિલ્હી સરકાર પોતાના ધારાસભ્યોને મળતા મતવિસ્તાર એલાઉન્સને પણ ૧૮૦૦૦થી વધારી પ૦,૦૦૦ કરી ચુકી છે. દિલ્હીમાં આપની સરકાર આવી તે પછી ધારાસભ્યોનું વેતન ૪પ૦ ટકા સુધી વધી ગયુ છે. દિલ્હી સરકારના પ્રધાનોને દર મહિને ફોનનું બીલ ચુકવવાના ૩૦,૦૦૦ મળે છે અને અગાઉ ૧૦,૦૦૦ મળતા હતા. વેતનના મામલામાં તેલંગાણાના સીએમ પણ પાછળ નથી. તેમના વેતનમાં ૭ર ટકાનો વધારો થયો છે. તેમનો પગાર ર.૪૪ લાખથી વધીને ૪.ર૧ લાખ કરી દેવાયો છે. 
આ સિવાય યુપીના ધારાસભ્યોના પગારમાં પણ સપ્ટેમ્બરથી લગભગ ૧૦૦ ટકાનો વધારો કરાયો છે. મતવિસ્તાર એલાઉન્સ પણ ૩૦,૦૦૦થી વધારી પ૦,૦૦૦ કરી દેવાયુ છે. તેમના ટ્રાવેલ બેનીફીટને પણ ૩.રપ લાખથી વધારીને ૪.રપ લાખ કરી દેવાયુ છે. સીએમ યોગીનું વેતન ૧ લાખ ર૦ હજાર રૂપિયા છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ૧ લાખ ૪૦ હજાર પગાર લ્યે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ફડણવીસ સરકાર રચાયા બાદ ધારાસભ્યોના પગાર ર૦૦ ટકા વધી ગયા છે. ખુદ ફડણવીસનો પગાર ર.ર૦ લાખ છે. તામીલનાડુના ધારાસભ્યનું વેતન ર૦૧૧માં વધ્યુ હતુ. સીએમ પલાની સ્વામી ર લાખ વેતન લ્યે છે. હરિયાણાના ધારાસભ્યોનું વેતન ૬પ૦૦૦ છે જયારે તેઓને ડીએ તરીકે ૩૮૦૦૦ અને બીજા એલાઉન્સ ૧પ૦૦૦ રૂ. મળે છે. અહીના ધારાસભ્યોને તાજેતરમાં ૧૧૦ ટકા પગાર વધારો મળ્યો છે. હિમાચલના ધારાસભ્યોનું વેતન ૬૦૦૦૦ છે. આ સિવાય ડીએ તરીકે ૩પ૦૦૦ અને બીજા એલાઉન્સ ૯૦૦૦ના મળે છે. ઝારખંડના ધારાસભ્યોનું વેતન પ૮,૦૦૦ છે અને ડીએ તરીકે ૩ર૦૦૦ મળે છે અને બીજા એલાઉન્સ રૂ.૧૦,૦૦૦ના મળે છે તેઓનું વેતન પ૬ ટકા વધ્યુ છે.