1730

ગુજરાતનો પોલીસ વિભાગ પારદર્શિતાથી વિવિધ ભરતી માટેની પ્રક્રીયા પૂર્ણ કરી એક સાથે ૧૮ હજારથી વધુ ઉમેદવારોને નિમણૂંક પત્રો આપીને ઇતિહાસ રચશે એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. 
રાજ્ય સરકારે આ વર્ષે સરકારના વિવિધ વિભાગોમાં ૬૭ હજાર જગ્યાઓ ઉપર ભરતી કરવાનો પ્રગતિશીલ નિર્ણય લીધો અને તેના જ ભાગરૂપે એકલા ગૃહ વિભાગે એક સાથે ૧૮,૨૧૭ ઉમેદવારોને જુદી -જુદી જગ્યાઓ ઉપર પસંદ કરીને આટલી વિશાળ સંખ્યામાં યુવાનોને સરકારી નોકરીમાં નિમણૂંક પત્ર આપી ઇતિહાસ રચશે. 
૧૮ હજારથી વધુ યુવાઓની પસંદગી બાદનો આ મેગા નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમ આગામી તા. ૧૮ મે, ના રોજ સાબરમતી નદીના સાનિધ્યમાં રિવરફ્રન્ટ ખાતે બપોરે ૩ઃ૦૦ કલાકથી યોજાશે જેમાં રાજ્યના તમામ જિલ્લામાંથી ભરતી પ્રકિયા દ્વારા પસંદ થયેલા ઉમેદવારો ઉપસ્થિત રહેશે અને આ જ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ઉપસ્થિત મંત્રીમંડળના સભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે સરકારી નોકરીના નિમણૂંક પત્રો મેળવશે. 
ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શિ બને તે માટે રાજ્ય સરકારે લોકરક્ષક ભરતી બોર્ડ, પી.એસ.આઇ. ભરતી બોર્ડ એવા વિવિધ ભરતી બોર્ડની રચના કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને લોકરક્ષક, જેલ સિપાહી, એસ.આર.પી. કોન્સ્ટેબલ, વગેરેની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી યોજી હતી જેમાંથી ૧૭,૫૩૨ ઉમેદવારો આખરી પસંદગી પામ્યા હતા. આ જ રીતે પી.એસ.આઇ. ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ. ઉપરાંત ઇન્ટેલીજન્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર વગેરેની જગ્યાઓ માટે ભરતી યોજીને ૬૮૫ જેટલા ઉમેદવારોની પસંદગી કરી છે. આમ બધા મળીને પસંદગી પામેલા કુલ  ૧૮,૨૧૭ ઉમેદવારોને આ કાર્યક્રમ દરમિયાન નિમણૂંક પત્રો એનાયત થશે. 
રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની સ્થિતિને વધુ સંગીન બનાવવા અને પોલીસ બળમાં વધારો કરવા રાજ્ય સરકારે આ મહાભરતીનું આયોજન કર્યું છે. અને સમગ્ર દેશને સરકારી નોકરીની ભરતીમાં ઝડપ અને પારદર્શિતાના દર્શન કરાવ્યા છે. પોલીસ સેવામાં પસંદગી પામેલા ઉમેદવારો શુભેચ્છા.