1915

છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ બાપુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે. તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અને શંકરસિંહ બાપુ સહીત ગુજરાતના કોંગ્રેસના ૧૫ જેટલા ધારાસભ્યો પણ ભાજપ માં જોડાય છે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ અંતે આજે તમામ ચર્ચાઓ પરથી પડદો ઉઠી ગયો છે. અને ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ બાપુને મનાવી લીધા છે.
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ છોડશે તેવી છેલ્લા કેટલાક દિવસથી ચાલતી વાતો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે લાગેલું એક પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતને આવકાર આપવા માટે લાગેલા આ પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જ ગાયબ હતાં. આજે ગાંધીનગર નજીક આવેલા બાપુના નિવાસસ્થાને અશોક ગેહલોત અને શંકરસિંહ વાઘેલા સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અને છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહેલાં રાજકીય ભ્રમ વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. 
શંકરસિંહ વાઘેલાએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય. મીડિયામાં ગેરસમજ થઈ છે અમારી રાજનીતિ તૈયાર છે. સીએમ પદના દાવેદાર ચૂંટણી પછી જ નક્કી કરવામાં આવશે. જ્યારે હું ભાજપના કોઈ પણ નેતા સાથે સંપર્કમાં નથી. મોદી સરકારના ત્રણ વર્ષથી પ્રજાને નુકશાન થયું છે. મારી અશોક ગેહલોત સાથે તમામ મુદ્દે ચર્ચા થઈ છે.
ક્યાંક એવું ન થાય કે ભાજપ તુટી પડે અને કોંગ્રેસમાં સમાઈ જાય. ગેહલોતે બુધવારના રોજ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો સાથે મિટિંગ કરી હતી. તેમણે શહેરના કોર્પોરેટરો તેમજ આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. 
આજે બપોરે યોજાયેલી આ બેઠકમાં આંતરીક જુથવાદનો અંત લાવીને ઘીના ઠામમાં ઘી પડે તેવી સમાધાનકારી ફોર્મ્યુલા ઘડવામાં આવી હતી. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસમાં કોઇ વિવાદ નથી. તેમણે થોડા દિવસથી પોતે ભાજપમાં જશે એવા વહેતા થયેલા અહેવાલોને નકારી કાઢતા કહ્યુ હતુ કે, હું કોંગ્રેસમાં જ છું અને કયાંય જવાનો નથી, નથી ભાજપના કોઇ નેતાએ મારો સંપર્ક કર્યો કે નથી કોઇ ભાજપના નેતાને હું મળયો. તેમણે વળતો સવાલ ઉઠાવ્યો હતો કે, કોણ કહે છે કે કોંગ્રેસમાં વિવાદ છે ? કોંગ્રેસના નેતાઓ એક જુથ થઇને ચૂંટણી લડવાના છે અને ભાજપને હરાવવાના છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મારા અને ભરતસિંહ વચ્ચે વિવાદ કે વિખવાદ નથી.
કેટલાક નારાજ ધારાસભ્યોની બેઠક અંગે રહસ્ય ઉપરથી પડદો પાડતા શંકરસિંહે કહ્યુ હતુ કે, ગુરૂદાસ કામતના નિર્દેશથી આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જે ધારાસભ્યો ઉપર ભાજપનું પ્રેશર હતુ તેઓને બોલાવવામાં આવ્યા હતા.
આ વાતચીત દરમ્યાન પ્રભારી અશોક ગેહલોટે પણ પત્રકારોને જણાવ્યુ હતુ કે, શંકરસિંહ વાઘેલા સાથે મારે ઉંડાણપુર્વક વાતચીત થઇ છે તેમની સાથે અનેક બાબતે ચર્ચા થઇ છે. શંકરસિંહ કોઇપણ નેતાથી કે પક્ષથી નારાજ નથી. કોંગ્રેસ એક જુથ થઇને ચૂંટણી લડવાની છે. તેમણે એમ કહ્યુ હતુ કે કોઇ અસમંજસ જેવી પરિસ્થિતિ નથી. શંકરસિંહ નારાજ છે જ નહી, કેટલાક લોકો જાણી જોઇને ગેરસમજ ફેલાવી રહ્યા છે. અમે બધા એકજુથ થઇને મેદાનમાં ઉતરશુ અને ચૂંટણી જીતશુ.
ગહેલોટે વધુમાં જણાવ્યુ હતુ કે, ચુંટણી કમીટીમાં નિમણુંકો ટુંક સમયમાં કરવામાં આવશે. ટિકિટોની ફાળવણી વહેલી તકે થાય તેવો અમારો પ્રયાસ રહેશે. તેમણે ભારપુર્વક જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી પદ અંગે કોઇપણ જાહેરાત ચૂંટણી પછી જ કરવામાં આવશે. પ્રજા પરિવર્તન ઇચ્છે છે.

મોદી પણ શંકરસિંહથી ડરે છે એટલે ખોટી અફવાઓ ફેલાવે છેઃ અશોક ગેહલોત
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ છોડશે તેવી છેલ્લા કેટલાક દિવસથી ચાલતી વાતો આજે અશોક ગેહલોત અને શંકરસિંહ વાઘેલાએ આ વાદને રદીયો આપ્યો હતો. ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે, ’આગઉ શંકરસિંહે ભાજપની સરકાર તોડી હતી તેનો ભય હજુ ભય હજુ નરેન્દ્ર મોદી અને ભાજપને છે. તેના કારણે જ ભાજપ દ્વારા બાપુ અને કોંગ્રેસ અંગેની ગેરસમજ ફેલાવાઈ રહી છે.’
ભાજપ પર ચાબખા મારતા ગેહલોતે કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં કોંગ્રેસના નેતાઓ શહીદ થયા હતા, ભાજપના કોઈ નેતાની આંગળી પણ નથી કપાઈ. રાજકીય પક્ષમાં મતભેત તો ચાલ્યા કરે મતભેદ હોય તો જ રાજકીય પક્ષ આગળ આવી શકે. મોદીના ત્રણ વર્ષને એક લાઈનમાં કેહવું હોય તો કહી શકાય કે મેરા ભાષણ હી મેરા જીવન હૈ.’ ભાજપમાં જોડાવા અંગે શંકરસિંહે ખુલાસો કર્યો હતો કે, મેં ક્યારેય ભાજપ સાથે સંપર્ક કર્યો નથી. ભાજપમાં જોડવાનો કોઈ પ્રશ્ન જ નથી.’