2321

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા SPIPAની તાલીમ મેળવી UPSCની પરીક્ષામાં સફળતા મેળવનારા ૧૪ યુવા ઉમેદવારો સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ફાયનલ પરીક્ષાના આ સફળ ઉમેદવારોને પ્રોત્સાહન સહાયના પ્રત્યેક યુવકને રૂ. પ૧ હજાર તથા પ્રત્યેક યુવતિઓને રૂ. ૬૧ હજારના ચેક તથા પ્રમાણપત્ર આ વેળાએ અર્પણ કર્યા હતા. 
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત સરકારે યુ.પી.એસ.સી. / સિવીલ સવિર્સીઝ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારી કરનારા રાજ્યના યુવક-યુવતિઓને પ્રોત્સાહન સહાય આપવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અન્વયે પ્રિલિમ પરીક્ષાથી લઇને મુખ્ય પરીક્ષા અને ફાયનલ સિલેકશન સુધી સફળતા મેળવનારા યુવકને કુલ રૂ. ૧ લાખ ૧ હજાર તથા યુવતિને રૂ. ૧ લાખ ર૧ હજાર પ્રોત્સાહન સહાય રાજ્ય સરકાર આપે છે. ૧૯૯રથી ર૦૧૭ સુધીમાં આ સંસ્થાના ૧૬૪ ઉમેદવારો યુ.પી.એસ.સી. પરીક્ષામાં સફળતાને વર્યા છે.
યુ.પી.એસ.સી.ની ર૦૧૬-૧૭ની પરીક્ષા માટે સ્પીપામાં ૧૭૬ ઉમેદવારોએ તાલીમ મેળવી હતી અને ૩ર ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે કવોલિફાય થયા હતા. અને અંતિમ પરીક્ષામાં ગુજરાતના ૧૪ ઉમેદવારો પસંદગી પામ્યા છે. મુખ્યમંત્રીએ ઉત્સાહ-ઉમંગથી છલકતા આ યુવાનોને પ્રેરણા આપતાં કહ્યું કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં વહીવટીતંત્રની જિમ્મેદારી વધી જાય છે. 
લોક અપેક્ષા આકાંક્ષા અને ગરીબ-છેવાડાના માનવીનું હિત કેન્દ્રસ્થાને રાખીને અમલીકરણ અધિકારી તરીકે તમારે હવે પદ નહિ જવાબદારીનું દાયિત્વ નિભાવવાનું છે.
વિજયભાઇ રૂપાણીએ આ નવયુવાનોને જવાબદારી વહન કરવાની ક્ષમતા સાથે સૌને સાથે લઇને ચાલવાની શીખ આપી હતી. તેમણે ઉમેર્યુ કે, સાચી દિશામાં અને સત્યતા સાથેની ફરજ-કર્તવ્યનિષ્ઠાની શાખ જનમાનસમાં કાયમ સચવાતી હોય છે. 
મુખ્યમંત્રીએ શ્રધ્ધા વ્યકત કરી કે યુ.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની જે સિધ્ધિ કરોડો દેશવાસીઓમાંથી તમે મેળવી છે. તેનો સતત અહેસાસ કરીને દેશ-રાષ્ટ્રની વૈશ્વિક પ્રતિષ્ઠા, સ્પીપાની તાલીમ અને ગુજરાતની નવતર કાર્યસંસ્કૃતિ સેવાકાળ દરમ્યાન ઊંચે લઇ જવાની નૈતિક ફરજ અદા કરશો.