3053

રાજુલાના વિક્ટર હાઈવે પર જાણે યમદુત ઉતર્યા હોય તેમ ર૪ કલાકમાં અકસ્માતમાં ચારના મોત અને રપથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગોઝારા અકસ્માતની ઘટના રાજુલાના વિક્ટર નજીક બની હતી.
મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના છાપરી પાણી ગામેથી બોલેરો પીકઅપ વાન જીજે૦૪ ડબલ્યુ ૯૪૧૦ ૩પ જેટલા મુસાફરો ભરીને ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલ આશ્રમમાં સેવાકિય કાર્ય માટે જઈ રહ્યાં હતા ત્યારે આ ગાડી વિક્ટર પાર કરીને અડધો કિ.મી. દુર પહોંચતા બોલેરો ગાડીનું ડ્રાઈવર સાઈડનું પાછળનું વ્હીલ એકાએક ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને લઈને ગાડી રોડ પર ર થી ૩ ગુલાટ (પલ્ટી) મારી હતી. જેને લઈને ગાડીમાં સવાર ૩૦થી વધુ મુસાફરો રોડ ઉપર જ ફગોળાયા હતા અને રોડ પર જ આમ તેમ ઈજાગ્રસ્તો પડ્યા હતા અને રોડ ઉપર લોહીના ખાબોચીયા ભરાયા હતા. અકસ્માતની જાણ થતા જ વાડી ખેતરમાં ઈજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા માટે ૬ એમ્બ્યુલન્સ સહિત ૭ વાહનો દોડાવ્યા હતા. આ અંગે અમરીશભાઈ ડેરને જાણ થતા તેઓ દ્વારા ચાર એમ્બ્યુલન્સ તથા મહેન્દ્રભાઈ ધાખડા તથા યોગેશ કાનાબાર દ્વારા એક તથા ૧૦૮ કુલ મળીને સાત વાહનો દોડાવ્યા હતા. અકસ્માત સર્જાતા જ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતમાં એક વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોના મહુવા હનુમંત ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે ૩ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા અને અન્ય રપ ઈજાગ્રસ્ત મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવારમાં રખાયા હતા. અન્ય લોકોને જરૂરી ટ્રીટમેન્ટ કરીને રજા અપાઈ છે. અકસ્માતની જાણ થતા મરીન પોલીસના ભરતભાઈ ગોહિલ, ભોળાભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાયો હતા. આજુબાજુના તમામ ગામોના આગેવાનો દ્વારા માનવતા દાખવીને તમામને સારવાર અર્થે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. બનાવ અંગે ડુંગર પોલીસના પીએસઆઈ હકુભા વાળા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.