1514

રૂ. ૨.૩૪ કરોડનાં ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનનું આજે પાણી-પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડે લોકાર્પણ કર્યું હતું. તેમજ પાર્સલ ઓફીસનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ તકે મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર લોકોની સુખાકારી અને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે રાજ્યભરમાં વિવિધ બસ સ્ટેશનોનાં ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે વેરાવળમાં રૂ. ૨.૩૪ કરોડનાં ખર્ચે નવનિયુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણવિધિ સંપન્ન કરવામાં આવી છે. એસ.ટી. નું આધુનિકરણ કરવાની સાથે બસોમાં જી.પી.એસ. સિસ્ટમથી માંડીને ઓનલાઇન ટીકીટ પણ મુસાફરોને મળી રહે છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ૩૨૦૦ જેટલી નવી બસો કાર્યરત કરવામાં આવશે. ગુજરાત સરકારે સિનીયર સિટીઝન માટે ૫૦ ટકાનાં રાહત દરે ત્રણ દિવસ માટે શ્રવણ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો વધુમાં વધુ લાભ લેવા સિનીયર સિટીઝનોને અનુરોધ કર્યો હતો.
સાસંદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે મુસાફરોને પરિવહન માટે સારી સુવિધા અને ઓછા સમયમાં મુસાફરી કરી શકે તે માટે નવી એસ.ટી. બસો કાર્યરત કરી છે. એસ.ટી.નિગમનાં ડાયરેકટર વિનુભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, મુસાફરોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. એસ.ટી. નફો કમાવવાનું નહી પરંતુ સારી પરિવહન સુવિધા આપવાનું માધ્યમ છે.
આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મણીબેન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્ય રાજશીભાઇ જોટવા, અગ્રણી પ્રવિણભાઇ રૂપારેલીયા, મહેન્દ્રભાઇ પીઠીયા, લખમભાઇ ભેંસલા, જુનાગઢ એસ.ટી. ડિવીઝનનાં વિભાગીય નિયામક પરમાર, મામલતદાર દેવકુમાર આંબલીયા તેમજ એસ.ટી.નિગમનાં અધિકારીઓ-કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભુપેન્દ્રભાઇ જોષી અને આભારવિધિ ડેપો મેનેજર વિ.બી.ડાંગરે કરી હતી.