2374

કેસર કેરી માટે વિશ્વ પ્રસિધ્ધ તાલાળાનાં આંગણે ૫૦ વિઘા જમીનમાં રૂા ૪ કરોડનાં ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું આજે કેન્દ્રીય કૃષિ અને પંચાયતી રાજ્યમંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ ઇઝરાયેલનાં એમ્બેસેડર ડેનિયલ કાર્મોન ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
ઇઝરાયેલનાં તાંત્રીક સહયોગથી કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ સેન્ટર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું કે, આજે ઇઝરાયેલની ટેકનોલોજી તાલાળાનાં પાદરે આવી છે તેનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
આંબાનાં બગીચાનાં નવીનીકરણ તેનાં ઉત્પાદન, માર્કેટીંગનાં પ્રશ્નોનાં ઉકેલ માટે આ સેન્ટર સહયોગી બનશે તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે, હવે તાલાળાની કેસર કેરી સાથે કચ્છની કેરીની સ્પર્ધા છે. આ સ્પર્ધાને પહોંચી વળવા અહિંના ખેડૂતોએ કમરકસવાની છે.
ખેડૂતોના પ્રશ્નો માટે વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે, તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે, ખેડૂતોની તુવેર અને મગફળી ટેકાનાં ભાવે ખરીદવા કેન્દ્ર સરકાર દ્વારા રૂા ૧૮૦૦ કરોડ આપવામાં આવ્યા હતા. આ વિસ્તારનાં ખેડૂતોના ખેતી વન વિભાગનાં પ્રશ્નોથી પુરી રીતે વાકેફ છીએ. ઇકોઝોન સહિતની આ વિસ્તારની માગણીમાં અમારી લાગણી ઉમેરી યોગ્ય નિરાકરણ આવશે તેવી હૈયાધારણા આપી હતી.
કેમ છો ? તેવા શબ્દોથી સૈાનું અભિવાદન ઝીલી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઇઝરાયેલનાં એમ્બેસેડર ડેનીયલ કાર્મોને કહ્યું કે, ટેકોનોલોજીનાં માધ્યમથી ખેડૂતો સાથે જોડાવાનું અમારા માટે ગૈારવપ્રદ છે. ખેડુતો, ખેતી અને સેન્ટરનાં વિકાસમાં ઇઝરાયેલ પુરો સહયોગ આપશે.
આ પ્રસંગે બાગાયત વિભાગ આયોજીત ફળ પાક પ્રદર્શન મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. લોકાર્પણ સમારોહમાં કૃષિ સચિવ સંજય પ્રસાદ, ખેતી નિયામક મોદી, બાગાયત નિયામક ડો.આર.એ.શેરસીયા, પ્રવાસન નિગમનાં ડીરેકટર ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઇ પીઠીયા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.