6211

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં તા.૪ થી ૭ ડિસેમ્બર દરમ્યાન ઓખી નામના વાવાઝોડાની ત્રાટકવાની આપેલી આગાહીના પગલે આજે સવારથી જ વાવાઝોડાની અસર થઈ હોય તેમ ભાવનગર શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો.
ઓખી વાવાઝોડાની સંભાવનાના પગલે ભાવનગર શહેરમાં સવારથી જ ટાઢાબોળ પવન સાથે વાદળછાયુ વાતાવરણ થયું હતું અને બપોરના સમયે ઝરમર વરસાદ બાદ સાંજના સમયે પણ વરસાદ શરૂ થયો હતો અને રાત્રિ સુધી વરસાદ રહ્યો હતો. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
આજે દિવસભર વાદળછાંયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં પ ડિગ્રીનો ઘટાડો થતા તાપમાનનો પારો ર૪.૯ ડિગ્રી રહેવા પામ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં વધારો થતા તાપમાન ર૦.ર ડિગ્રી રહેવા પામ્યું હતું. હજુ ત્રણ દિવસ સુધી વાવાઝોડાની શક્યતાના પગલે વાતાવરણમાં ઠંડક રહેશે.

ખેડૂત મિત્રોએ સાવધાન રહેવું
હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં ઓખી નામનું વાવાઝોડુ આવવાની સંભાવના છે. આ વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે. આ પરિસ્થિતિને જોતા ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોએ કે જેઓએ કપાસનું વાવેતર કરેલ છે તે તમામે તાત્કાલિક કપાસ વીણી લેવો. જીરૂ, ચણા, ઘઉનું જે ખેડૂતોએ વાવેતર કર્યુ છે. તેઓએ પીયત ટાળવું, જેથી જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. આ ઉપરાંત કોઈપણ પાકના ખળા ખુલ્લામાં હોય તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો છે.