4271

પાલીતાણામાં પરિમલ સોસાયટી વિસ્તારમાંથી બે બાળકોની કારની ડીકીમાંથી લાશ મળી આવી હતી. જેમને પેનલ પી.એમ. માટે ભાવનગર સર ટી.માં લવાયેલ પરંતુ રીપોર્ટ આવવાને હજુ ત્રણ-ચાર દિવસ થશે. હજુ સુધી મોતનું સાચુ કારણ જાણવા મળ્યું નથી.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણાના પરીમલ સોસાયટી વિસ્તારમાંથી બે બાળકો જીયાન અને આફરીનના અપહરણની ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ થયાના બીજા દિવસે પરીમલ સોસાયટીમાં અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલી કારની ડીકીમાંથી અપહરણ થયેલ બન્ને માસુમ બાળકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ભાવનગર એસ.પી., ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પાલીતાણા પી.આઈ. સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બન્ને બાળકોના મૃતદેહને ભાવનગર સર ટી.માં પેનલ પી.એમ. અર્થે મોકલી દેવાયા હતા. ઘટના બન્યાને ચાર દિવસ થયા છતાં હજુ બન્ને બાળકોના મોત કેવી રીતે થયા તેનું સાચુ તારણ પોલીસ સમક્ષ આવ્યું નથી. જે બાબતે ‘લોકસંસાર’ની ટીમ દ્વારા પાલીતાણા પી.આઈ. વી.એચ. માંજરીયા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, પી.એમ. રીપોર્ટ આવવાને હજુ ત્રણ-ચાર દિવસ લાગશે પણ બન્ને બાળકોના મોત ગુંગળામણથી થયાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. બનાવમાં પોલીસે હજુ સુધી કોઈની અટક કરી નથી. શંકાસ્પદ વ્યક્તિ અને મહિલાઓની પુછપરછ હાથ ધરી છે. બન્ને બાળકોના અપહરણ અને બાદ મોતથી સમાજ દ્વારા જલ્દીથી તપાસ થાય અને હત્યારાને ઝડપી લેવા માંગ કરી છે.