7089

પાલીતાણા તાલુકાના લુવારવાવ ગામે બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો અને એટીપી વર્ગના બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એચ.આર. ચૌધરીની ઉપસ્થિતિમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને પતંગ ચગાવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મજા માણવા મળી હતી.
પાલીતાણા તાલુકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોે અને એટીપી વર્ગના બાળકો માટે પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ૧૦૦ ફુટ જેવડી પતંગ બનાવવામાં આવી હતી અને બાળકોને મેદાનમાં પતંગો ચગાવવા અપાયા હતા તેમજ તમામ બાળકોને પતંગ, દોરી, શેરડી, લાડુ અને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આઈઈડી કો-ઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ વ્યાસ, બીઆરસી કો-ઓર્ડીનેટર હરદિપભાઈ ગોહેલ તેમજ તમામ કો-ઓર્ડીનેટર તેમજ આઈઈડી અને એટીપી વિભાગ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ રાસગરબા, નાટક, ગીતો સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિતો ઉપરાંત વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.