3566

વૈદિક પરિવાર, રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર તથા ગાંધીનગરનાં કુડાસણ વિસ્તારમાં આવેલ શુકન સ્કાય પરિવારનાં સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના પૂર પીડિતો માટે રાહત કાર્યો કરવામાં આવ્યા હતા.
પ્રથમ દિવસે શુકન સ્કાય પરિવારનાં યુવાનો દ્વારા સોસાયટીમાં ૪૦૦ થી વધારે ફ્લેટ્‌સમાં રહેતા પરિવારો પાસેથી ફુડ પેકેટ્‌સ એકત્રિત કરવામાં આવ્યા હતા. લગભગ રપ૦૦ કરતાં પણ વધારે ફુડ પેકેટ્‌સની સાથે કપડાનો પણ મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાનપ્રસ્થી મહેન્દ્રભાઈ ગાંધીની સાથે શુકન સ્કાયનાં યુવાનોએ જાતે જઈને પૂર પીડિતોની સહાયતા કરી. બીજા તબક્કામાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં પ્રમુખ બી. કે. ચાવડા અને વૈદિક પરિવારનાં ટ્રસ્ટી  અરવિંદભાઈ રાણાના નેતૃત્વમાં ઉમીયા ટ્યુબ્સ એન્ડ પાઈપ્સનાં ડાયરેકટરોની ટીમે સાથે મળીને રપ૦ થી વધારે અનાજ અને વાસણની કીટ, સુકો નાસ્તો, બટાટા અને ડુંગળી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોથી લઈને વૃદ્ધ નર-નારી માટે પ હજારથી પણ વધારે કપડા-સાડીઓ, ચાદરો, ઓઢવાનાં ચોરસા વગેરે આપવામાં આવ્યું.
ત્યારબાદ ત્રીજા દિવસે મહિલાઓ માટે સાડીઓ આપવામાં આવી. સાથે સાથે દવાઓ સાથે વૈદિક પરિવારનાં ડૉ. ચંદુભાઈ અંબવાણીએ લગભગ ૭૦૦ જેટલા રોગીઓની ચિકિત્સા કરી તેમને દવાઓ આપી.
આ સેવાકીય કાર્યમાં શુકન સ્કાયનાં યુવાનો મહર્ષિ દવે, રવિ મોદી, હેમલ પટેલ, જૈનમ શાહ, ધ્રુવ ઝાલાવાડીયા અને અંકીત ઉપરાંત રોટરી ક્લબનાં પૂર્વ પ્રમુખ  મનોજભાઈ સરૈયાએ પણ સેવાઓ પ્રદાન કરી હતી.