7845

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ જાહેર થયેલ ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામોમાં ગુજરાતની જનતાએ પુનઃ વિકાસની રાજનીતિને વ્યાપક સમર્થન આપી ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી નગરપાલિકાઓમાં ભાજપાને વિજયી બનાવી છે. ભાજપાએ ૭૫ પૈકી ૪૭ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જીલ્લાઓમાં યોજાયેલી આ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ૪૧ જેટલા ધારાસભ્યોના મતવિસ્તારમાં આવતી લગભગ ૩૦ વિધાનસભાની નગરપાલિકાઓમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના જીલ્લાની વિદ્યાનગર નગરપાલિકામાં ભાજપાએ ૨૪માંથી ૨૪ બેઠકો જ્યારે મહેસાણા જીલ્લાની વડનગર નગરપાલિકામાં ૨૮ પૈકી ભાજપાએ ૨૭ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઘણી નગરપાલિકાઓમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.  વાઘાણીએ કોંગ્રેસ પ્રમુખને પડકાર ફેંક્યો હતો કે, ૨૪ નગરપાલિકા જીતવાના બણગાં ફુંકતી કોંગ્રેસ આ નગરપાલિકાઓની યાદી જાહેર કરે. ચૂંટણી પંચ દ્વારા જીતેલ નગરપાલિકાઓ જાહેર કરેલ હોય તેના કરતાં કોંગ્રેસ વધારે જીતનો દાવો કરીને જુઠ્ઠાણાં ફેલાવવાનો પોતાની સ્વભાવ છોડી શકતી નથી અને કોંગ્રેસ પ્રમુખ હળાહળ જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરે. આ નગરપાલિકાઓની કુલ ૨,૧૧૬ બેઠકોમાંથી ૧,૯૭૯ બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.  જે પૈકી ભાજપા કુલ ૧,૨૧૨ બેઠકો પર એટલે કે ભાજપાના ૬૧ ટકાથી વધુ ઉમેદવારો વિજયી બન્યા છે. ઘણી નગરપાલિકાઓમાં ચોથી કે પાંચમી વાર ભાજપાનું શાસન આવ્યું છે. વિકાસનો જનાદેશ જનતાએ આપ્યો છે. ભાજપ અવિરત પ્રયાસ થકી હજુ વધુ વિકાસના પથ ઉપર ગુજરાતને લઈ જશે. નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૪ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જે કોંગ્રેસની બેઠક હતી તે છીનવી ભાજપા વિજયી બન્યું છે.
વાઘાણીએ અંતમાં રાજ્યના મતદારો, કાર્યકર્તાઓનો આભાર માનતાં પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે યોજાયેલા વિજયોત્સવમાં વિજયી બનેલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વિજયી ઉમેદવારો, પ્રદેશના આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જયાં સૌએ ઢોલ-નગારાના નાદે, ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો.