8407

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો હવે બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપના ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણા અને કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર પી.કે.વાલેરાએ આજે પોતપોતાનું ઉમેદવારી ફોર્મ ભરતાં હવે ચાર બેઠકો માટે ચાર ઉમેદવારો જ ચિત્રમાં રહેતા રાજયસભાની ચૂંટણી બિનહરીફ જાહેર થશે. આમ, ભારે ઉત્તેજના અને વાદ-વિવાદ બાદ ઘી ના ઠામમાં ઘી ઢળ્યું છે અને રાજયસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થશે. ભાજપ તરફથી  પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા તો, કોંગ્રેસમાંથી અમીબહેન યાજ્ઞિક અને નારણસિંહ રાઠવા રાજયસભામાં જશે.રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ રાજયસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. ભાજપ દ્વારા કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને ગુજરાત બહારથી ઉમેદવારી કરાવીને ગુજરાત ભાજપના બે નેતાઓ મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને યથાવત્‌ રખાયા હતા. બીજીબાજુ, કોંગ્રેસે ભારે સસ્પેન્સ વચ્ચે છેલ્લી ઘડીયે રાજયસભાના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં કોંગ્રેસ તરફથી ભારે વિવાદ અને વિખવાદ વચ્ચે જાણીતા મહિલા ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના લીગલ સેલના મહિલા ચેરપર્સન અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાએ વિધિવત્‌ ફોર્મ ભર્યા હતા. દસ્તાવેજોના કારણે થયેલા ભારે વિલંબ અને વિવાદ બાદ નારણ રાઠવાએ છેલ્લી ઘડીયે પોતાનું ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ દ્વારા અમીબહેન યાજ્ઞિકને રાજયસભાની ચૂંટણી માટે મેન્ડેટ અપાતાં કોંગ્રેસની મહિલા પાંખમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો અને મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલે તાત્કાલિક પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધુ હતું, જેને લઇ ભારે કોંગ્રેસ પક્ષમાં ભારે ઉત્તેજના અને ઘમાસાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચાર બેઠકો માટે ચાર ફોર્મ ભરાતાં આ વખતે ચૂંટણી નહી થાય તેવી અટકળો તેજ બની હતી પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે ભાજપ દ્વારા છેલ્લી ઘડીયે પોતાના વધુ એક ઉમેદવાર કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવડાવ્યું હતું તો, કોંગ્રેસે પણ ભાજપની ચાલને ઉંધી વાળવા પક્ષના વરિષ્ઠ નેતા પી.કે.વાલેરાને અપક્ષ તરીકે રાજયસભાની ચૂંટણી માટે ફોર્મ ભરાવ્યું હતું. રાજયસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસના ત્રણ-ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ભારે ઉત્તેજના અને વિવાદ-વાંધાઓ વચ્ચે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી અને ભાજપ તેમ જ કોંગ્રેસના બંને પક્ષના ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા હતા. જો કે, અનેક અટકળો અને ઉત્તેજના વચ્ચે આજે ભાજપના ત્રીજા ઉમેદવાર કિરીટસિંહ રાણાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ હતુ, તો કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર પી.કે.વાલેરાએ પણ તેનું ફોર્મ પાછુ ખેંચ્યું હતું. આમ, હવે ચાર બેઠકો માટે ચાર ઉમદવારો રાજયસભાની ચૂંટણી જંગમાં રહેતાં ચૂંટણી આયોગ દ્વારા હવે રાજયસભાની ચૂંટણી હવે બિનહરીફ જાહેર કરવામાં આવશે