5963

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે જોરદાર અને પ્રચંડ જોશથી લડવાનું કોંગ્રેસે મન બનાવ્યું છે અને તેના માટે પોતાના સ્ટાર પ્રચારકો થકી ગુજરાતમાં કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાની જબરદસ્ત કવાયત હાથ ધરી છે. જેમાં આ વખતે કોંગ્રેસનું મુખ્ય સુકાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. સમગ્ર ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડયા બાદ હવે રાહુલ ગાંધી ચૂંટણીની ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે તા.૨૪ અને ૨૫મી નવેમ્બર એમ બે દિવસ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેમની મુલાકાતનું મુખ્ય કેન્દ્ર સ્થાન અમદાવાદ હશે. રાહુલ ગાંધી તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન પોરબંદરમાં માછીમારોને અને સાણંદમાં દલિતોને મળી તેઓની વ્યથા સાંભળશે. રાહુલ ગાંધી આવતીકાલે સવારે ૧૦ વાગ્યે પોરબંદર એરપોર્ટ પર ઉતરાણ કરશે. સવારે ૧૧ થી૧૨ દરમ્યાન તેઓ પોરબંદરના સ્થાનિક માછીમારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળશે. એ પછી તેઓ બપોરે૧-૧૫ મિનિટે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ૨-૩૦ વાગ્યે સાણંદ જવા રવાના થશે. જયાં સાણંદ ખાતે દલિત સ્વાભિમાન સભામાં દલિતોના ઐતિહાસિક ત્રિરંગાનો સ્વીકાર કરે તેવી શકયતા છે. રાહુલ ગાંધી દલિતો પરના અત્યાચાર 
સહિતના મુદ્દે દલિત આગેવાનો સાથે ચર્ચા બેઠક પણ યોજી તેમની વ્યથા સાંભળશે. સાંજે ૪-૧૫ વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ડોકટર્સ અને મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાત તજજ્ઞો સાથે સીધો સંવાદ કરશે. એ પછી સાંજે ૫-૩૦ વાગ્યે અધ્યાપકો અને પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે ગુજરાતના શિક્ષણ સહિતના પ્રશ્ને સંવાદ યોજશે. સાંજે ૭-૩૦ વાગ્યે નિકોલમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા ગજવશે અને રાત્રિનું રોકાણ અમદાવાદમાં જ કરશે.એ પછી બીજા દિવસે એટલે કે, તા.૨૫મી નવેમ્બરે રાહુલ ગાંધી સવારે ૧૦-૧૫ વાગ્યે તાજેતરમાં જ મૃત્યુ પામેલા કોંગ્રેસના પીઢ આગેવાન ઇરશાદ બેગ મીરઝાના અમદાવાદમાં રહેતા પરિવારજનોને સાંત્વના પાઠવવા જશે, ત્યારબાદ સવારે ૧૧-૧૫ વાગ્યે દહેગામ ખાતેના કાર્યક્રમ માટે જશે, બપોરે ૧૨-૧૦ મિનિટે અરવલ્લીના બાયડ ખાતે કોર્નર મીટીંગ યોજાશે, બપોરે ૧-૦૫ મિનિટે બાયડના સાંતભા ખાતે તેમનું સ્વાગત કરાશે, બપોરે ૨-૧૦ મિનિટે લુણાવાડામાં રાહુલ ગાંધી સ્થાનિક લોકો સાથે કોર્નર મીટીંગ કરશે. બપોરે ૩-૧૫ મિનિટે સંતરામપુરમાં કોર્નર મીટીંગ અને સાંજે ચાર વાગ્યે મારગડા ચોકડી ખાતે રાહુલ ગાંધી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. ૪-૫૦ મિનિટે દાહોદના મવુડા ચોકડી ખાતે કોર્નર મીટીંગમાં હાજરી આપી ત્યારબાદ રાહુલ ગાંધી તા.૨૫મીની રાત્રે જ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે. ગુજરાતની મુલાકાત વેળા રાહુલ નોટબંધી, જીએસટી ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ, બેરોજગારી, મહિલાઓ, ખેડૂતો સહિતના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી પૂરી શકયતા છે.