3284

શહેરના રૂવા રપ વારીયા વિસ્તારમાં ગંદકી ગોબરવાડાના કારણે સ્થાનિક રહિશોને રહેવું દુષ્કર થઈ પડ્યું છે. સત્તાવાળ તંત્ર લોકોના આ પ્રશ્ને કોઈ દાદ ન દેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સાથોસાથ સાફ સફાઈની ઉગ્ર માંગ કરી છે.
ભાવનગર મહાપાલિકા તળે નવા ભળેલા વિસ્તારો પૈકી રૂવા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ નિયમ અનુસાર મહાનગર દરજ્જાની સેવાઓ તો ઠીક ગ્રામ્ય પંચાયત તળે પ્રાપ્ત થતી પાયાકિય સવલતોથી પણ આ ગામ વંચીત રહેવા પામ્યું છે. રૂવાના રપ વારીયા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પેવર બ્લોક અને નવા રોડ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ વરસાદી માહોલ શરૂ થતા તંત્રએ કામ અધુરૂ છોડી દેતા, અત્રે વરસાદી પાણીનો ભરાવો કાદવ-કિચડ સાથે ગંદકીના ગંજ ખડકાયા છે. જેને લઈને લોકોને ચાલવા અને વાહન પસાર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. આ વિસ્તારોમાં ખરાબ રોડ અને કાદવ-કિચડના કારણે સ્કુલ બસો, રીક્ષાઓ અંદર નથી પ્રવેશી શકતી. આ વિસ્તાર માટે વિવિધ વિકાસ કાર્યો અર્થે રૂા.૧૭ લાખની ગ્રાન્ટ મંજુર કરી છે પરંતુ કામ શરૂ કરવામાં નથી આવ્યું. આથી આ કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને સફાઈનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે.