6210

શહેરના મેઘાણીસર્કલ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે સાંઈબાબાનો ૩૮મો સમાધિ શતાબ્દિ વર્ષ નિમિત્તે મંદિરનો ત્રિદિવસીય પાટોત્સવ તથા ૧૧ કુંડી હોમાત્મક યજ્ઞ સાથે આજે શહેરમાં સાંઈબાબાની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
લાખો લોકોના દિલોમાં આસ્થાનું કેન્દ્રબિંદુ સમા શિરડી સ્થિત સાંઈબાબાના હજારો ભક્તો ભાવનગરમાં પણ છે. જેને લઈને સાંઈબાબાના ૩૮માં સમાધિ શતાબ્દી વર્ષ નિમિત્તે મેઘાણીસર્કલ સ્થિત મંદિરે ત્રિદિવસીય પાટોત્સવ સાથે ૧૧ કુંડી હોમાત્મક હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
તા.ર-૧રને શનિવારના રોજ સત્સંગ મંડળો દ્વારા સત્સંગ દરબાર, મહાઆરતી સાથે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૩-૧રને રવિવારે ૧૧ કુંડી હોમાત્મક યજ્ઞ, સાંઈબાબાને દુગ્ધા અભિષેક તથા અંતિમ દિન તા.૪-૧રને સોમવારે મંદિરથી બાબાની વિશાળ મૂર્તિ સાથે નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા મેઘાણીથી પ્રસ્થાન થઈ ડોનચોક, ક્રેસન્ટ સર્કલ, એવી સ્કુલ, શહિદ રાજ્યગુરૂ ચોક, હાઈકોર્ટ રોડ, ઘોઘાગેટ, એમ.જી. રોડ, ખારગેટ, મામાકોઠા, દિવાનપરા, હલુરીયા ચોક, નવાપરા, એસ.પી. કચેરી થઈ પૂનઃ નિજ મંદિર ખાતે પહોંચી હતી. આ ત્રિદિવસીય મહા મહોત્સવમાં મોટીસંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ મેઘાણીસર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું.