5994

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે સરદારનગર ખાતે લાખો રૂપિયાના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવ્યો છે પરંતુ મહાપાલિકાના આળસુ અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે નવનિર્મિત સ્વીમીંગ પુલમાં મોટી માત્રામાં શેવાળ (લીલ) અને જીવાતો બંધીયાર પાણીમાં થઈ જતા સ્વીમરોએ તરવાનું બંધ કરી દીધુ છે.
શહેરના સરદારનગર ખાતે મહાપાલિકા સંચાલીત નવનિર્મિત સ્વીમીંગ પુલમાં જવાબદાર તંત્રની ગંભીર બેદરકારીને લઈને પુલમાં મોટી માત્રામાં શેવાળ (લીલ) જામી જવા સાથે પાણીમાં જીવાત પડી જવા પામી છે. જેને લઈને નિયમિત આવતા સ્વીમરો માટે આરોગ્યનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે. 
એકાદ સપ્તાહથી કોઈપણ સ્વીમર આ જોખમ ખેડવા તૈયાર નથી. આ અંગે જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ક્લોરીનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી આ સમસ્યા સર્જાઈ છે સાથોસાથ એવો લુલો બચાવ પણ કર્યો હતો કે શિયાળાનો સમય ચાલી રહ્યો છે. 
સ્વાભાવિક તરવૈયાઓની સંખ્યા ઓછી હોય છે. ઉપરાંત જણાવ્યું હતું કે, ક્લોરીનનો જથ્થો પુરો પાડવાની જવાબદારી ફિલ્ટર વિભાગની નથી. આ જવાબદારી ગાર્ડન વિભાગની છે. જ્યારે ગાર્ડન વિભાગના અધિકારીએ પણ ગોળ ગોળ ઉત્તર વાળી પોતાની જવાબદારી ન હોવાનું રટણ કર્યુ હતું.