8430

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આજે ગુજરાતમાં ભૂકંપ અંગે મોક એક્સરસાઇઝ યોજાઇ હતી. સવારે ૧૦.૦૦ વાગ્યે કચ્છ જિલ્લાના દુધઇ પાસે ૭.૭ મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હોય એવી કલ્પના સાથે રાજ્યના વહીવટીતંત્રએ સંભવિત ઉભી થતી પરિસ્થિતિને ધ્યાને લઇને મોક એક્સરસાઇઝ કરી હતી. કચ્છની સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર એમ કુલ આઠ જિલ્લાઓમાં સૌથી વધુ નૂકશાન થયું હોય એવી સ્થિતિ સર્જીને જિલ્લાના વહીવટીતંત્રએ મોક એક્સરસાઇઝ કરી હતી. 
ભૂકંપ પછી જેમ સંદેશો મળે તે જ રીતે ગાંધીનગરમાં કાર્યરત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સંદેશો મળ્યો હતો અને ત્યાંથી સંબંધિત અધિકારીઓને તાકીદે જાણ કરાઇ હતી. રાજ્ય સરકારે ગાંધીનગરમાં તાત્કાલિક ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બોલાવી લીધી હતી. ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દોડી ગયા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.  ભારતીય સેના, વાયુ સેના, નૌ સેના, સી.આર.પી.એફ, બી.એસ.એફ, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ, કોસ્ટ ગાર્ડ, પોલીસ, ફાયરબ્રિગેડ ઉપરાંત રાજ્ય સરકારના મહત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ધસી ગયા હતા.
અને જે આઠ જિલ્લાઓમાં વ્યાપક નૂકશાન થયું હતું તેની સાથે સંપર્ક પ્રસ્થાપિત કરીને વિગતો મેળવવામાં આવી હતી.
અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રએ પોતપોતાના જિલ્લાઓમાં ભૂકંપ મોક એક્સરસાઇઝ કરી હતી. જે તે જિલ્લાઓમાં બે થી ત્રણ સ્થળોએ મોટી ઇમારતોમાં ભૂકંપથી જેવું નૂકશાન થાય તેની કલ્પના કરીને ઉભી થનારી પરિસ્થિતિને વાસ્તવિક ગણીને મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી. તમામ જિલ્લાઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ મોક એક્સરસાઇઝમાં ભાગ લીધો હતો. 
ભૂકંપ મોક એક્સરસાઇઝ પછી રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંધે તમામ આઠ જિલ્લાઓના કલેકટર, તમામ જિલ્લાઓમાં ઉપસ્થિત ભારતીય સેનાના ઓબ્ઝર્વર અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીની સમીક્ષા કરી હતી. ડૉ. જે.એન સિંધે જણાવ્યું હતું કે, આ મોક એકસરસાઇઝથી વહીવટી તંત્રએ ભવિષ્ય માટે સજ્જતા કેળવી છે. ભવિષ્યમાં આવી કોઇપણ આપત્તિ આવી પડે તો આજની આ મોક એક્સરસાઇઝ ખૂબજ ઉપયોગી થઇ પડશે. અધિક મુખ્ય સચિવ  પંકજકુમારે પણ તમામ જિલ્લાના વહીવટીતંત્રને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કન્સલટન્ટ મેજર જનરલ વી.કે.દત્તાએ તમામ જિલ્લા કલેક્ટરોએ મોક એકસરસાઇઝ દરમિયાન કરેલી કામગીરીની વિગતો મેળવી હતી. ભારતીય સેનાના અધિકારીઓ પાસેથી તેની સમીક્ષા સાંભળી હતી, અને ભવિષ્યમાં કેવી રીતે કામગીરી કરવી તેની ઉપયોગી માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત ઇન્સ્ટીટયુટ  ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ પી.કે.તનેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.