8297

સૌરાષ્ટ્રમાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો એવી સુપ્રસિધ્ધ ઉકિત પણ છે. સિહોરમાં ગરીબ અને નિરાધાર લોકો માટે ટોકન દરે રાહત રસોડું ચાલે છે. આ રસોડામાં દરરોજ બપોરે ગરીબ અને નિરાધાર લોકોને ઉત્તમ પ્રકારનું ભોજન પીરસાઇ રહ્યું છે.છેલ્લા ૪૦ વર્ષથી સિહોરમાં મોટા ચોક પાસે આવેલ જૈન તપાગચ્છની વાડીમાં આ રાહત રસોડું ચાલે છે. આ રાહત રસોડામાં ગરીબ અને નિરાધાર લોકોને ફકત એક જ રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવામાં આવે છે. જેમાં દરરોજ શાક, રોટલી-રોટલા, કઢી, ખીચડી, દાળ-ભાત, છાશ, ગોટા, ભજિયા સહીતના વ્યંજનોનો સમાવેશ થાય છે. ૧૦ પૈસા ત્યાર પછી ૫૦ પૈસા અને હાલ સમયમાં રૂા.૧ માં લોકોને ભરપેટ ભોજન આપવામાં આવે છે. સિહોરના સેવાભાવી  અને જૈન  સમાજના અગ્રણી અને આ રસોડાના વ્યવસ્થાપક પ્રતાપરાય પ્રેમચંદ શાહ દરરોજ રસોડે આવી નિઃસ્વાર્થ સેવા બજાવે છે અને પોતાની આગેવાની હેઠળ આ રસોડામાં ભુખ્યા લોકોને પગંતમાં બેસાડી સેવાભાવી  ભાઇઓને હસ્તે જ રસોઇ પીરસવામાં આવે છે. દરરોજ ૨૦૦થી ૩૦૦ સાધુ, ભિક્ષુક, ગરીબ, નિઃસહાય ભુખ્યાને  પૂરતુ ભોજન આપવામાં આવે છે. સિહોરના સેવાભાવી લોકો અને વ્યાપારીઓ આ રસોડેથી એક રૂપિયો ટોકન ચાર્જ ચૂકવી પાસ લઇ જાય છે. અને ભુખ્યાને કોઇપણ ટોકન લીધા વગર પાસ આપી સેવા કરે છે. તો કોઇ સેવાભાવી રાહત રસોડે જઇ કહે કે આજે મારા તરફથી રસોઇ તો તે દિવસે પાસ લેવામાં આવતા નથી. સિહોર નિવાસી હાલ મુંબઇ રહેતા દાતા સ્વ.પ્રાગજીભાઇ ઝવેરચંદ શાહ, સ્વ.મહાસુખભાઇ પ્રાગજીભાઇ શાહના સ્મરણાર્થે તેમના પુત્રો ભરતભાઇ મહાસુખભાઇ શાહ અને જયેશભાઇ મહાસુખભાઇ શાહ તરફથી આ સેવા યજ્ઞ શરૂ રાખેલ છે.