3738

શનિવારે ગાંધીનગર ખાતે ગુજરાત લઘુમતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા ચેક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્તાર અબ્બાસે જણાવ્યું હતું કે, અમે છેવાડાના માનવીને આગળ લાવવામાં માનીએ છીએ. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે કર્યો છે. મુસ્લિમોનો સૌથી વધુ વિકાસ ગુજરાતમાં થયો છે અને તેઓ ગુજરાતમાં સૌથી વધુ સુરક્ષિત છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. સાંજ પડે કોઇ માણસ ભૂખ્યો ના સુવે તેની ચિંતા સરકારે કરી છે. અંત્યોદય કાર્ડ, તેમજ ૧૦ રૂપિયામાં ભોજન આપીને ગરીબોની ચિંતા કરી છે. ૩ લાખથી વધુ લોકોને આ વર્ષે મકાન મળી રહે તે માટે સરકાર ૧.૫૦ લાખ આપી લોકોને પોતાના ઘર આપશે. આ સરકારે ૮૦ હજાર નોકરીઓ આપી છે. આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર પ્રથમ રાજ્ય છે. ૭૦૦ કરોડ રૂપિયા આરોગ્ય માટે ફાળવ્યા છે અને ૭૦%થી વધુ ડિસ્કાઉન્ટ દવામાં જેનરિક મેડિકલ સ્ટોર દ્વારા ઉપલબ્ધ કરાવ્યું છે.
લઘુમતી બાબતો અને સંસદીય બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે અહીં કહ્યું હતું કે, એનડીએ સરકાર લઘુમતી સમુદાયને સન્માન સાથે સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે.
ગાંધીનગરમાં ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ (જીએમડીએફસી) ના ચેક વિતરણ કાર્યક્રમને સંબોધતા શ્રી નકવીએ જણાવ્યું હતું કે, “અમારો એજન્ડા તુષ્ટિકરણ વિના સશક્તિકરણ, સર્વસમાવેશક વૃદ્ધિ અને અંત્યોદય (સમાજની છેવાડાની વ્યક્તિ સુધી વિકાસનાં લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા) છે.” નકવીએ જણાવ્યું હતું કે, લઘુમતીઓ, દલિતો, ખેડૂતો, મહિલાઓ અને દેશનાં અન્ય તમામ વર્ગો રાષ્ટ્રનિર્માણમાં સમાન ભૂમિકા ભજવે છે. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, સમુદાય સામે કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી. ભારતની વિશિષ્ટતા તેની વિવિધતામાં એકતા, “સર્વ ધર્મ સમભાવ”માં છે. ધર્મનિરપેક્ષતા ભારતનાં લોહીમાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી આત્મારામ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ હાજી ગુજરાતમાંથી જાય છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર સાડા છ કરોડ લોકોની ચિંતા કરે છે. જ્યારે કોંગ્રેસે મુસ્લિમોનો ઉપયોગ વોટ બેંક તરીકે કર્યો છે. મુસ્લિમોનો સૌથી વધુ વિકાસ ગુજરાતમાં થયો છે. હજમાં જનાર વ્યક્તિ કોઇની જોડે ઉધાર લઇને નથી જતો. સરકારે એવી વ્યવસ્થા કરી છે. સૌથી વધુ હાજી ગુજરાતમાંથી જાય છે. મુસ્લિમો અહીં સૌથી વધુ સુરક્ષિત છે.