એક્સપ્રેસ સર્વિસ રોડ ૧૪૧ કરોડના ખર્ચે ફોરલેન બનશે

978
gandhi3042018-4.jpg

ગાંધીનગર અમદાવાદ રોડ પર ટ્રાફિકના વ્યવસ્થાપન માટે લાંબા અરસાથી હાથ ધરવામાં આવેલી એક્સપ્રેસ વે કોરિડોર યોજના હવે આગળ વધવાના અણસાર દેખાઇ રહ્યા છે. તેનાં અંતર્ગત ગાંધીનગરના ચ ૦ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના મુખ્યમાર્ગની સમાંતર બન્ને બાજુ બનાવાયેલા સર્વિસ રોડને હવે ફોરલેનમાં ફેરવી દેવાશે. સરકારની વહીવટી મંજૂરી મળી જવાના કારણે ચોમાસા બાદ આ કામગીરી ૧૪૧ કરોડ જેવા જંગી ખર્ચથી શરૂ કરાશે.
ગાંધીનગર-કોબા- હાંસોલ માર્ગની પસંદગી એક્સપ્રેસ વે કોરિડોર અંતર્ગત કરવામાં આવી છે. તેનાં પાછળ આવતા દિવસોમાં ગિફ્‌ટ સિટીના કારણે વધનારા ટ્રાફિકની ગણતરી પણ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગિફ્‌ટ સિટીને ફરતાં પસાર થતાં તમામ માર્ગને પહોળા કરવાની યોજના હાથ ધરી છે. ત્યારે એક્સપ્રેસ વે કોરિડોરનું કામ પણ આખરે હાથ પર લેવાશે. તેમાં મુખ્યમાર્ગની પહેલાં સર્વિસ રોડને વધુ પહોળો કરવાની બાબતને પ્રાધાન્ય અપાયું છે. ચોમાસા બાદ તુરંત ફોરલેનનું કામ આરંભી દેવાશે. ત્યાર બાદ મુખ્યમાર્ગની કામગીરી હાથ ધરાશે.
ગાંધીનગરને અમદાવાદ સાથે જોડતા દરેક માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે. તેમાં સરખેજ હાઇ વેનું કામ જોર શોરથી કરવામાં આવી રહ્યું છે. આ માર્ગને છે છેક ચિલોડા સુધી વિકસાવવાની મૂળ યોજના છે. અડાલજ પાસે ક્લોવર લીફ બ્રિજ આપવામાં આવ્યા પછી જો કે ગાંધીનગર તરફના મુખ્ય જંકશનોની કામગીરી ધીમી પડી ગઇ છે. પરંતુ આગામી સમયમાં ખ ૦ અને ઘ ૦ સર્કલ પર પણ ઓવરબ્રિજ બાંધવાનાં નિર્ણય લેવાઇ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગરને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદ સાથે જોડતા કોબા હાસોલ માર્ગની યોજના હહાથ પર લેવાઇ ચૂકી છે.
ગાંધીનગર અમદાવાદ એક્સપ્રેસ વે મતલબ કે ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગના નવીનીકરણનો કુલ ખર્ચ શ્ ૪૦૦ કરોડનો અંદાજવામાં આવ્યો છે. તેમાંથી પ્રથમ તબક્કે ૧૪૧ કરોડ મુખ્યમાર્ગની બન્ને બાજુના સર્વિસ રોડને પહોળો કરવામાં ખર્ચ કરવામાં આવશે.

Previous articleભરઉનાળે મેયર ઓફીસ ખાતે પીવાના પાણીની વ્યવસ્થાને તાળાબંધી 
Next articleડા. આંબેડકર અને મોદીને રાજેન્દ્ર ત્રિવેદીએ બ્રાહ્મણ ગણાવતા વિવાદ