ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચીને કારકિર્દીની ૬૦૦ વિકેટ પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઇનિંગની ૯ મી ઓવરમાં કાંગારૂ ટીમને બે ફટકા આપ્યા, જેમાં રસેલ હેન્સ અને મેગ લેનિંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આ ઓવરમાં પ્રથમ વિકેટ લેતા જ ગોસ્વામીએ પોતાની વિકેટની સંખ્યા ૬૦૦ કરી લીધી. ગોસ્વામી પહેલાથી જ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે, જેમાં તેણે ૧૯૨ મેચમાં ૨૩૯ વિકેટ લીધી છે.૩૮ વર્ષના દિગ્ગજ ટી -૨૦ ક્રિકેટમાં ૫૬ વિકેટ સાથે ૨૦૧૮માં નિવૃતી લીધી હતી. આ સિવાય તેણે ૧૧ ટેસ્ટ મેચમાં ૪૧ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૩૩૬ વિકેટ લીધી છે, જ્યારે સ્થાનિક ક્રિકેટમાં બીજી ૨૬૪ વિકેટ લીધી છે. ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન વનડે સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી હતી, જ્યાં છેલ્લા બોલ પર ડ્રામા જોવા મળ્યો હતો.