ઓડિશા, આંધ્રપ્રદેશ, પ.બંગાળમાં વાવાઝોડું ‘ગુલાબ’ તોફાન ત્રાટકે તેવી શક્યતા

129

તા.૨૬
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે ગુલાબ સમુદ્રી તોફાનની તીવ્ર અસરથી આવતા ચાર દિવસ(૨૬,૨૭,૨૮,૨૯-સપ્ટેમ્બર) દરમિયાન કોંકણનાં(મુંબઇ-૨૭,૨૮),થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ગાજવીજ સાથે ભારે વર્ષા થવાની શક્યતા છે. ૨૮,સપ્ટેમ્બરે રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ(અતિ ભારે વર્ષા) જાહેર કરવામાં આવી છે.જ્યારે ૨૮,સપ્ટેમ્બરે રત્નાગિરિ માટે પણ ઓરેન્જ એલર્ટ(અતિ ભારે વરસાદ) જાહેર કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત પાટનગર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર જેવા કેટલાય રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે અને હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તટવર્તીય રાજ્યોમાં માછીમારોને સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.દરિયામાં સર્જાયેલા ડિપ્રેશને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ગુલાબ નામનું વાવાઝોડું આગામી દિવસોમાં ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના કાંઠે ટકરાય તેવી શક્યતા છે.
ઓડિશાના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે ૨૬થી ૨૯મી દરમિયાન ગુલાબ નામના વાવાઝોડાંની આગાહી કરી છે. ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ વાવાઝોડું ત્રાટકશે. ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાના પગલે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે. એ સાતેય જિલ્લામાં કુલ ૬૬ બચાવ ટૂકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે આપેલી માહિતી પ્રમાણે બંગાળના ઉપસાગરમાંનું ડીપ ડીપ્રેશન આજે છેલ્લા છ કલાક દરમિયાન સાત કિલોમીટરની ગતિએ પશ્ચિમ દિશા ભણી આગળ વધ્યું હતું. ત્યારબાદ આજે સાંજે ૫-૩૦ કલાકે ગોપાલપુર(ઓડીશા)થી ૩૭૦ કિલોમીટરના અંતરે અને કલીંગપટ્ટણમ(આંધ્ર પ્રદેશ)થી ૪૪૦ કિલોમીટરના અંતરે સ્થિર થયું હતું. ગુલાબ સાયક્લોન ૨૬,સપ્ટેમ્બરે સાંજે પશ્ચિમમાં વધુ આગળ વધીને કલીંગપટ્ટણમ અને ગોપાલપુર વચ્ચેથી આગળ વધે તેવી સંભાવના છે. ૨૬ સપ્ટેમ્બર દરમિયાન પવન ૭૦થી ૮૫ કિલોમીટર(પ્રતિ કલાક)ની તીવ્ર ગતિએ ફૂંકાય તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. જોકે, ૨૭મી સપ્ટેમ્બરે ગુલાબ સાયકલોનની તીવ્રતા તબક્કાવાર મંદ પડશે અને ડીપ ડીપ્રેશનમાં અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઇ જવાની પણ સંભાવના છે.

Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
Next articleકિસાન નેતાઓ દ્વારા આજે ભારતબંધનું એલાન અપાયું