રાષ્ટ્રીય કિસાન મોરચાએ આપેલા ભારત બંધના એલાનના પગલે તમામ સરકારી કચેરી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા સમગ્ર દેશમાં લાંબા સમયથી ચાલતા કૃષિ કાયદા વીજ બીલ તથા નવી શિક્ષણ નીતિના વિરોધમાં ભારતબંધનું એલાન આપ્યું છે. જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ સરકારી કચેરીઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર તથા તાલુકાને જોડતા નાનાં મોટાં તમામ માર્ગો પર પોલીસ જવાનો બાઝ નઝર રાખવા સાથે ચેકિંગ ડ્રાઈવ પણ યોજવામાં આવી છે અને એકપણ શંકાસ્પદ ગતિવિધિથી નઝર ચૂક ન થાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.
રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ રાકેશ ટીકૈત દ્વારા દિલ્હી ખાતે લાંબા સમયથી કૃષિ કાયદા વીજ બીલ અને નવી શિક્ષણ નિતી-રીતીના વિરોધમાં ભારતબંધનું એલાન જાહેર કર્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બાબતો પર રાજ્ય સરકારે ખાસ ભાર મૂક્યો છે. અને આ બંધને પગલે ભાવનગર શહેર-જિલ્લામાં પણ પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના આગવા પગલાઓ લેવામાં આવ્યા છે. આજે સવારથી જ ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ સરકારી-અર્ધ સરકારી કચેરીઓ સહિત જાહેર સ્થળોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર તથા તાલુકાઓને જોડતા રોડપર વાહન ચેકીંગ સાથે ગતિવિધિઓ પર નઝર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્ય જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક સમયે કિસાનોની વિવિધ મુદ્દે ચળવળ તેજ બની હતી અને ખેડૂત આંદોલનનું સૌરાષ્ટ્ર એપી સેન્ટર બન્યું હતું. આથી આ મુદ્દે તંત્ર કે સરકાર હળવાશથી લેવા નથી માંગતા અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવેલ ખેડૂતો ના વિવિધ સંગઠનો દ્વારા આ બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સુરકા તથા ટાણા અને બુધેલ સહિતના ગામડાઓમાં પોલીસ જવાનો સાથે આઈબી ની એક વિશેષ ટીમ પણ નઝર રાખી રહી છે શહેરમાં કડક બંદોબસ્ત ને પગલે બપોર સુધી કોઈ દેખાવ કે અન્ય અન ઈચ્છનીય બનાવો બનવા પામ્યાં નથી અને એકંદરે પરિસ્થિતિ સામાન્ય હોવા સાથે જનજીવન નોર્મલ રહ્યું હતું.