ઉંચા સપના રાખશો તો સફળતા તમારી નજીક રહેશે- કલેક્ટર યોગેશ નીરગુડે
ભાવનગરમાં GPSC અને UPSC સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય સેવા યોજના ઉપક્રમે જિલ્લા કલેક્ટર તથા એ.એસ.પી. સફિન હસનની વિશેષ ઉપસ્થિતિમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે GPSC અને UPSC સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન અંગે સોફ્ટ સ્કીલ સેમિનાર યોજાયો હતો.
પરીક્ષાઓ કેવી રીતે આપવી તે અંગેનું માર્ગદર્શન અપાયું
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે જીપીએસસી અને યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સૉફ્ટ સ્કીલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વિદ્યાર્થીને અભ્યાસની સાથે-સાથે સરકારી નોકરી મેળવવા અંગેની ઝંખના હોય છે અને માટે તેઓ સખત પરિશ્રમ કરતા હોય છે. તેમજ વિવિધ પરીક્ષાઓ કેવી રીતે આપવી તે અંગેનું માર્ગદર્શન પણ મેળવતા હોય છે. તેને લઈ આ સેમિનારનું આયોજન કરાયું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે આ તકે જણાવ્યું હતું કે, આજના આ આધુનિક યુગમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. આજે આગળીના ટેરવા ઉપર શિક્ષણ મળે છે, વૈશ્વિક કોરોનાની મહામારીમાં પણ ઓનલાઈન પદ્ધતિથી વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તમે જેટલા સપનાઓ ઊંચા રાખશો તેટલી સફળતા તમારી પાસે જલ્દી આવશે. કારણ કે, તમે તમારા સપના પુરા કરવા તનતોડ મહેનત જલ્દી કરશો.
આધુનિક યુગમાં સાઈબર ક્રાઈમથી સાવચેતી રાખવીઃ સફિન હસન
એએસપી સફિન હસને જણાવ્યું હતું કે, આધુનિક શિક્ષણ પદ્ધતિની સાથે આજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સરકારી નોકરીઓની પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. તેમજ તેઓએ જણાવ્યું કે, આધુનિક યુગમાં સાઈબર ક્રાઈમથી સાવચેતી રાખવી જોઈએ, હાલ અત્યારે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયાથી થોડા ટાઈમ દૂર રહી મહેનત કરશો તો ચોક્કસ તમે તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકશો. આ સેમિનારના મુખ્યવક્તા એવા ગઢવી કેરિયર એકેડમીના સંચાલક પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, સરકારી નોકરી મેળવવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા દેવી જરૂરી છે. જનરલ નોલેજ, વેપાર-વાણિજ્ય, એકાઉન્ટ, ભાષા, વિજ્ઞાન, શાસ્ત્ર તથા અન્ય વિષયોને આવરીને તેની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જેથી કરીને આ બધા વિષયોની માહિતી હોવી જરૂરી છે. આ બધી માહિતી વચ્ચે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને સરળતાથી આવી પરીક્ષાઓ પાસ કરી શકે છે. આ સોફ્ટ સ્કીલ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડ, એ.એસ.પી. સફિન હસન, ભાવનગરના જાણીતા તબીબ ડૉ.રાજીવ ઓઝા, અમદાવાદથી ગઢવી કેરિયર એકેડમીના સંચાલક પ્રફુલ ગઢવી તથા સ્માર્ટ એકેડમીના સંચાલક પરેશગિરિ ગોસ્વામી તેમજ પ્રોફેશનલ એકેડમીના સંચાલક રણજતભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીનિઓને માર્ગદર્શન આપ્યું હતું.