ગાંધીનગર,તા.૨૮
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. ૩૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે ૬ કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી ૩ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી ૨ થી ૩ દિવસ સુધી ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા ભાગોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને પોંડિચેરીના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદની વકી છે.
બીજી તરફ ચક્રવાતી વાવાઝોડા “ગુલાબ”ના કારણે મોન્સૂન યથાવત છે. ઝારખંડના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જમશેદપુરમાં બે ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. આટલું જ નહીં, આ વાવાઝોડાના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તાર, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૩૦ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામા આવી છે.