ભાવનગર શહેર સહિત ચાર તાલુકામાં ૧૧૫ ટકાથી વધારે વરસાદ નોંધાયો, સૌથી વધુ મહુવા તાલુકામાં ૧૨૮ ટકા સિઝનનો વરસાદ પડ્યો
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી પાંચ દિવસની ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ભાવનગર શહેરમાં ગતરાત્રીથી આજ બપોર સુધીમાં સાડા પાંચ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ બેથી સવા ચાર ઈંચ વરસાદ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં ગતરાત્રીના આઠ વાગ્યાથી આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં ગતરાત્રીના વાદળોના ગડગડાટ અને વિજળીના ડરામણા ચમકારા અને તેમજ તોફાની પવન સાથે માત્ર અડધાા કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાદ રાતભર અને આજે સવારથી પણ વરસાદ શરૂ રહેવા પામ્યો છે. જે આ લખાય છે ત્યારે ૧-૩૦ કલાકે પણ હજુ શહેરમાં વરસાદ શરૂ છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. અને ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ સર્વત્ર ધોધમાર વરસાદ વરસી ગયો છે. ગતરાત્રીથી આજ બપોર સુધીમાં પડેલા વરસાદના કારણે ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં તો ઘરમાં પણ પાણી ઘુસી જવા પામ્યા હતા. ભારે વરસાદના પગલે વિજળી પડવાના બનવો પણ બન્યા છે અને તોફાની પવનથી શહેર તથા જિલ્લામાં અનેક વક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં સિદસર રોડ, કાળીયાબીડના કેટલાક વિસ્તારો તેમજ કુંભારવાડા, મોતીતળાવ, પ્રભુદાસ તળાવ મફતનગરમાં રસ્તાઓ પર તો પાણી ભરાયા જ હતા પણ ઘરમાં પણ પાણી ઘુસી જવા પામ્યા છે જ્યારે કુભારવાડાના રેલ્વે અન્ડર બ્રીઝમાં પણ પાણી ભરાઈ જતા બ્રિજ બંધ કરવો પડ્યો છે સવારે એક સ્કુલ બસ પણ ફસાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદના પગલે મોટાભાગના જળાશયો ફરી વખત ઓવરફલો થઈ જવા પામ્યા છે જેમાં પાલીતાણાનો શેત્રુંજી ડેમ વધુ એક વખત ઓવરફલો થતા અને ૧૫૩૪૦ ક્યુસેક પાણીની આવક થતા એક સાથે ૫૯ દરવાજા બે ફુટ ખોલી નાખવામાં આવ્યા છે. અને તમામ પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા પણ જણાવાયુ છે. આવી જ રીતે સિહોરનું ગૌતમેશ્વર તળાવ પણ ઓવરફલો થતા તેના તમામ દરવાજા ઓટોમેટીક ખુલી જવા પામ્યા છે જેના કારણે તંત્ર દ્વારા નિચાવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે. આવી જ રીતે ભાવનગરનું બોરતળાવ પણ છલક સપાટીએ પહોચ્યુ છે અને કોઈપણ સમયે ઓવરફલો થઈ શકે છે આથી કુંભારવાડા સહિત નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આમ ભાવનગરમાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી છે જ્યારે બાર એસોસીએશન દ્વારા પણ વરસાદના કારણે અરજન્ટ કામગીરી સિવાયનું કામ નહી કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. શહેરમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયુ હોય તેવો મહાલો સર્જાયો છે.