જમીન ત્યાં જળની સ્થિતિ

172

ભાવનગરનું બોરતળાવ ઓવરફ્લો થતા વિકટોરિયા પાર્ક આસપાસની સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ઘૂસ્યા, લોકો રસ્તા પર સમય વિતાવવા મજબૂર બન્યા
ભાવનગર શહેરનું બોરતળાવ અને વિકટોરિયા પાર્ક સ્થિત કૃષ્ણસાગર તળાવ છલકાતા આસપાસની સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. પાણી ભરાવાના કારણે લોકોના વાહનો પણ ડૂબ્યા હતા. તંત્ર દ્વારા સોસાયટીની દીવાલ તોડી પાણી કાઢવાનો પ્રયાસ કરાયો હતો. ભાવનગર શહેરનું બોરતળાવ તથા વિકટોરીયા પાર્ક સ્થિત કૃષ્ણ સાગર તળાવ છલકાતા આસપાસના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. કૃષ્ણ સાગર તળાવના પાળાનો કેટલાક ભાગ ક્ષતિગ્રસ્ત થતાં પાણી મોટા પ્રમાણમાં વહી રહ્યું છે. આ સોસાયટીમાં કેડસમા પાણી ભરાયા છે ગાડી પણ ડૂબી ગઈ છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. જો આગામી બે દિવસ દરમિયાન અતિભારે વરસાદ વરસે તો હજી પણ આ સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

કઈ કઈ સોસાયટી પ્રભાવિત થઈ?
ભાવનગર શહેર મધ્યે આવેલ બોરતળાવ છલો-છલ ભરાયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના શિવમ નગર, સરિતા સોસાયટી, ધોબી સોસાયટી, કુંભારવાડા જવેલ સર્કલ વિસ્તારમાં આવેલા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. સ્થિતિ એવી બની હતી કે લોકોએ ઘરની બહાર દોડીની આવી જવું પડ્યું હતું. શિવઓમનગર વિસ્તારમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ તેમજ પાર્ક કરેલી ગાડી તરતી જોવા મળી હતી. આ બાબતે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તંત્રને અગાઉ આ બાબતે જણાવ્યું હતું. પરંતુ સમયસર પગલાં લેવામાં ન આવતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હજુ સુધી તંત્રના અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા મુલાકાત લઇ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની વ્યવસ્થા થઈ શકી નથી, હાલ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું હોવાથી સ્થાનિક લોકોને નાછૂટકે રાત્રિના સમયે બહાર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહાનગરપાલિકાના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ પાણી વિક્ટોરિયા પાર્કના તળાવ છલકાતા આ પાણી આવ્યું છે અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હાલમાં જેસીબી મશીન દ્વારા દીવાલ તોડીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

Previous articleરાત્રે ૮થી બપોરે ૧૨ સુધીમાં શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
Next articleધોળા-ઝાંઝમેર હાઈવે પર બાઈક ચાલક સિમેન્ટ મિલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો, ત્રણ મજૂરોના મોત