અંધારામાં ત્રીપલ સવારીમાં જઈ રહેલા મજૂરોની બાઈક મિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતને પગલે મજૂરોને ગંભીર ઈજા થતા તમામના ઘટના સ્થળે મોત નિપજ્યાં
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા-ઝાંઝમેર હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ધોળા-ઝાંઝમેર હાઈવે પર એક બાઈક પર ત્રીપલ સવારીમાં જઈ રહેલા મજૂરો સિમેન્ટ મિલર સાથે ધડાકાભેર અથડાતા ત્રણેય શ્રમજીવીઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં હતા.
આ સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામેથી ગત રાત્રે ત્રણ શ્રમિકો જેમાં બાબુ હિંમત પરમાર, રાજ ભેદીમલ પાલ તથા આલોક ગણેશ પાલ અંધારામાં રેલવે વિભાગના બેદરકાર કોન્ટ્રાક્ટરે રોડમાં ખડકેલા મિલર, કપચી તથા પાણીના ટાકા બાઈક ચાલકને ન દેખાતાં બાઈક મિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ત્રણેય મજૂરોને ગંભીર ઈજા થતાં તમામના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં.
બનાવમાં જવાબદાર સામે યોગ્ય પગલા ભરવા માંગ
આ બનાવની જાણ ધોળા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં જવાબદાર રેલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા લોકોએ ઉગ્ર માંગ કરી છે.