કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જુનાગઢ દ્વારા કરાયું આયોજન
રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત દેશભરમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા સરકાર દ્વારા સુચારુ આયોજન દ્વારા તબક્કાવાર વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કુપોષણ સામેની આ લડાઇને જીતવા માટે જનજાગૃતિ અતિ આવશ્યક છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલ વિશેષ કાર્યક્રમને સંબોધતાં આવ વાત કહી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે સ્વસ્થ અને સશક્ત નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઇ સમૃધ્ધ અને શ્રેષ્ટ રાષ્ટ્રનું નિર્માણ કરતાં હોય છે. માટે દેશના પ્રત્યેક નાગરિકે પોષણ સંબંધે જાગૃત રહેવું જરુરી છે. દેશભરમાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના અનુસંધાને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયફિલ્ડ આઉચરીચ બ્યુરો-જુનાગઢ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ’સહી પોષણ દેશ રોશન’ વિષયને લઇને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢ ખાતે કહાનગુરુ અંકુર વિદ્યાલયના કેમ્પસમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.શિહોરના તાલુકા વિકાસ અધિકારી રોનક થોરિયા, સોનગઢ આરબીએસકે મેડિકલ ઓફિસર ડૉ.આરતીબેન બસિયા, સોનગઢ પીએયસીના મેડિકલ ઓફિસર ડૉ.મિલન ઉપાધ્યાય, શિહોર આઇસીડીએસના સીડીપીઓ હેમાબેન દવે, સોનગઢ અંકુર વિદ્યાલયના વડા વિરેન્દ્રસિંહ ગોહિલ, સોનગઢના સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા વિકાસ અઘિરકારી રોનક થોરીયાએ તન અને મન બંને તંદુરસ્ત રહે તે જ સાચો પોષ્ટીક આહાર એવું જણાવી પોષણ અંગે લોકોને વિશેષ કરીને બાળકોને વધુ સજાગ રહેવા અપીલ કરી હતી. સીડીપીઓ હેમાબેને પોષણ માહની થઇ રહેલ ઉજવણી સંદર્ભે જાણકારી આપવાની સાથે સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર અનિવાર્ય જણાવી ખાસ કરીને કિશોરીઓ અને માતાઓને તેમના આહાર સંદર્ભે વધુ જાગૃત રહેવા જણાવ્યું હતું. મેડીકલ ઓફિસર ડૉ મિલન ઉપાધ્યાય તેમજ ડૉ.આરતીબેને કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તેમજ ૦થી ૬ વર્ષ સુધીના બાળકો માટે પોષણ સંબંધીત જાણકારી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.