છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૧૮,૮૭૦ કોરોના કેસ, એક્ટિવ કેસ ૧ ટકાથી પણ ઓછા
ન્યુ દિલ્હી,તા.૨૯
દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટી રાહત મળી હોવાનું જણાય છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસો ૧૮,૮૭૦ નોંધાયા હતા. આ ઉપરાંત ૩૭૮ દર્દીના કોરોનાથી મોત થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસો ૨૦ હજારથી ઓછા નોંધાયા છે જે સારી બાબત છે. આ ગાળામાં કોરોનાથી ૨૮,૧૭૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા. દેશમાં તાજેતરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૨,૮૨,૫૨૦ થઈ છે. આગામી દિવસોમાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન બિહાર માટે પણ રાહતની વાત એ છે કે, હવે બિહાર કોરોના મુક્ત થઈ ગયું છે. રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા થોડા સમયથી દક્ષિણના રાજ્ય કેરળમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક જણાતી હતી. કેરળમાં વધુ કેસો નોંધાતા દેશમાં કોરોનાના એકંદરે આંકડા વધુ જોવા મળતા હતા. દેશમાં કોરોના રસીકરણમાં જોવા મળેલી ઝડપને લીધે મોટાભાગની વસ્તીને કોરોનાના કવચ સમાન વેક્સિનના ડોઝ આપવાનું પૂર્ણ થયું હોવાથી નવા કેસમાં રાહત થઈ છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને કોરોના વેક્સિનનો ડોઝ આપવાનું જણાવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની તુલનાએ હાલમાં સક્રિય કેસની ટકાવારી ૦.૮૪ ટકા છે. આ આંકડો માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછો છે. રિકવરી રેટ પણ વધીને ૯૭.૮૩ ટકા નોંધાયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૯૬ દિવસથી સતત ત્રણ ટકા નીચે રહ્યો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૨૫ ટકા જેટલો નીચો છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૮૭૦ કેસો નોંધાતા કુલ કેસ લોડ વધીને ૩,૩૭,૧૬,૪૫૧ થયો છે. આ ઉપરાંત કુલ મૃત્યુઆંક ૪,૪૭,૭૫૧ નોંધાયો છે. મંગળવારે દેશમાં એક દિવસમાં ૧૫,૦૪,૭૧૩ કોરોના સેમ્પલના ટેસ્ટ કરાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫૬,૭૪,૫૦,૧૮૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૪૯ દર્દી, હરિયાણામાં ૬૪ દર્દી અને મહારાષ્ટ્રમાં ૬૦ દર્દીના મોત થયા હતા.