ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં આવ્યો
બાળકો અને સ્તનપાન કરાવતી મહિલાઓની પોષકની સ્થિતિ સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભાવનગરમાં સરદારનગર ગુરુકુળ સંસ્થાના સંચાલક કે.પી.સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે નૈમિષારણ્ય શાળાના બાળકોએ પોતાના ઘરેથી લાવેલા લંચ બોક્સ શહેરના જરૂરિયાતમંદ બાળકોને આપી ઉજવણી કરી હતી.
સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગર સંચાલિત નૈમિષારણ્ય શાળા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ નિમિત્તે ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શાળાના ઘોરણ 6 થી 8 ના 450 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ભોજન તથા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના રિંગ રોડ, એરપોર્ટ રોડ, ગધેડિયા ફિલ્ડમાં રહેતા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પોષણ યુક્ત આહાર આપવામાં આવ્યો હતો.
સેવાયજ્ઞ સંસ્થાના સંચાલક કે.પી.સ્વામીએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અલગ-અલગ વ્યક્તિઓને તેમની આર્થિક અને સ્વાસ્થ્યની સ્થિતિ મુજબ પોષણ આપવામાં આવે છે. આપણાં શરીરને વિવિધ પ્રકારના ખોરાકની જરૂરિયાત હોય છે. કારણ કે, જુદા-જુદા ખોરાકો આપણાં શરીરમાં જુદા-જુદા કાર્યો કરે છે. આપણે જે ખાઈએ છીએ જેનો આપણું શરીર ઉપયોગ કરે છે તેને આહાર કે ખોરાક કહે છે. જે ક્રિયા દ્વારા શરીર, આહારનો ઉપયોગ કરે છે તેને પોષણ કહે છે. પોષણની ક્રિયામાં અંત:ગ્રહણ બાદ પાચન, શોષણ, વહન, સંગ્રહ, ચયાપચય તથા ઉત્સર્જન જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે. આમ શાળાના વિદ્યાર્થીઓને પોષણ વિશે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે નૈમિષારણ્ય શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો તથા સ્ટાફે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.