કોન્ટ્રાકટરના બીલની રકમ પાસ કરાવવા માટે માગવામા આવી હતી લાંચ
ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એક સિવિલ એન્જિનિયરને 18 હજારની લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. કોન્ટ્રાક્ટરના બીલને મંજૂરી ના આપતા હોય કોન્ટ્રાકટર દ્વારા એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચે લેતા ઝડપી પાડ્યા હતા. સમગ્ર બનાવ અંગે એસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધાર તાલુકામાં રહેતાં અને સરકારી તથા ખાનગી બાંધકામ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતાં એક કન્સ્ટ્રકશન કંપનીના માલિકે થોડા સમય પૂર્વે ગારિયાધાર નગરપાલિકા હસ્તકના સ્મશાનની દીવાલ નિર્માણ નું કામ રાખ્યું હતું. આ કામ પૂર્ણ થયે નાણાં માટે ગારિયાધાર નગરપાલિકામાં બીલ મૂક્યાં હતાં. પરંતુ અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાનાઓ બતાવી કોન્ટ્રાક્ટરના બીલને મંજૂરી આપતાં ન હતાં. દરમિયાન ગારિયાધાર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા વી.બી પૂજારા તથા સિવિલ ઈજનેર પ્રતિક દેસાઈએ બીલના નાણાં મંજૂર કરાવી દેવા માટે રૂપિયા 18 હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં વાતચીત ના અંતે 16,000 ની રકમ આપવાની ફાઈનલ થઈ હતી. કોન્ટ્રાકટર અધિકારીઓને લાંચ આપવા માગતા ના હોય આ અંગેની જાણ ભાવનગર એસીબીની ટીમને કરતાં ટીમ દ્વારા ગારિયાધાર ખાતે ટ્રેપ ગોઠવી હતી. જેમાં ચીફ ઓફીસર પૂજારા અને ઈજનેર દેસાઈ 16 હજારની લાંચ સ્વિકારવા આવતાં એસીબીની ટીમે બંને અધિકારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સફળ ટ્રેપ કરવા ડી.કે.વાઘેલા, રાણા રાજેન્દ્રસિંહ, કમલેશભાઈ વાઘેલા, માલાભાઈ ભરવાડ, ડી.કે.બારૈયા, મહિપતસિંહ ગોહિલ તથા ભાવનગર એસીબી સ્ટાફ જોડાયો હતો. આ બનાવની જાણ સમગ્ર જિલ્લામાં વાયુવેગે ફેલાઈ જતાં લાંચિયા બાબુઓમાં ભારે ફફડાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.