રાજસ્થાનમાં નવી ચાર મેડિકલ કોલેજોનો વડાપ્રધાને શિલાન્યાસ કર્યો : ૬ વર્ષમાં નવી ૧૭૦ મેડિકલ કોલેજો બની છે, ૨૦૧૪માં દેશમાં કુલ મેડિકલ બેઠકો ૮૨૦૦૦ હતી જે વધીને ૧.૪૦ લાખ થઈ હોવાનો મોદીનો દાવો
નવી દિલ્હી, તા.૩૦
પીએમ મોદીએ આજે રાજસ્થાનમાં નવી ચાર મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો હતો અને આ દરમિયાન તેમણે રાજસ્થાનના કોંગ્રેસના સીએમ અશોક ગહેલોટનો આભાર પણ માન્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, ભારતે હવે કોવિડ જેવી આપત્તિ સમય આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે. રાજસ્થાનમાં ચાર મેડિકલ કોલેજોના નિર્માણ માટે શિલાન્યાસ આ દિશામાં લેવાયેલુ વધુ એક પગલુ છે. હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટનો આભાર માનુ છું. તેમણે મારા પર ભરોસો મુક્યો છે. લોકશાહીના આ જ તાકાત છે. તેમની વિચારધારા અને પાર્ટી મારા કરતા અલગ છે પણ અશોક ગહેલોટે મારા પર જે ભરોસો મુક્યો છે તેના કારણે તેમણે જે કામો થયા છે તેનુ લાંબુ લિસ્ટ પોતાના ભાષણમાં ગણાવ્યું છે. પીએમ મોદીએ સાથે સાથે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનુ ઉદઘાટન પણ કર્યુ હતુ. આ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના ભારત સરકાર અને રાજસ્થાન સરકારે ભેગા થઈ ને કરી છે. જે યુવાઓને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં કામ કરવા માટે તાલીમ આપશે.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોવિડ મહામારી બાદ હેલ્થ સેક્ટરમાં ભારતે આત્મનિર્ભર થવાનો સંકલ્પ લીધો છે અને તેના ભાગરૂપે પછાત જિલ્લાઓમાં ત્રણ તબક્કામાં નવી ૧૫૭ મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા ૬ વર્ષથી હેલ્થ સેક્ટરની ખામીઓ દુર કરવા માટે કોશિશ થઈ રહી છે. જેના કારણે ભારત હવે ૨૨ એમ્સ હોસ્પિટલની સ્થાપના તરફ આગળ વધી રહ્યુ છે. છેલ્લા ૬ વર્ષમાં નવી ૧૭૦ મેડિકલ કોલેજો બની છે અને બીજી ૧૦૦ મેડિકલ કોલેજો પર કામ ચાલી રહ્યુ છે. ૨૦૧૪માં દેશમાં કુલ મેડિકલ બેઠકો ૮૨૦૦૦ હતી. જે આજે વધીને ૧.૪૦ લાખ થઈ ચુકી છે. હવે દરેક ભારતીય ડોકટર બનવાનુ અને મેડિકલ એજ્યુકેશન મેળવવાનુ સ્વપ્ન પુરૂ કરી શકે છે.