ધોનીએ સિક્સ ફટકારીને પોતાની સ્ટાઈલમાં મેચ જીતાડી

633

દુબઈ,તા.૧
આઈપીએલની આજની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવીને ૧૩૪ રન કર્યાં હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમે ૧૯.૪ ઓવરમાં ૧૩૯ રન બનાવીને મેચ ૬ વિકેટથી જીતી લીધી હતી. અને ધોનીએ પોતાની સ્ટાઈલમાં સિક્સ ફટકારીને ચેન્નઈની ટીમને જીત અપાવી હતી. આમ ચેન્નઈ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ૯ જીતની સાથે ચેન્નઈના પોઈન્ટ ટેબલ પર ૧૮ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. અને પ્લે ઓફ માટે ક્વોલિફાય થનાર તે પહેલી ટીમ બની ચૂકી છે. જો કે, ૨૦૨૦માં ચેન્નઈની ટીમ ક્વોલિફાય પણ કરી શકી ન હતી. પણ આ સિઝનમાં ધોનીની ટીમે શાનદાર કમબેક કરીને આજે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલ પર સૌથી નીચેના સ્થાને છે. હૈદરાબાદને ૧૧ મેચોમાંથી ૯ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને હવે બાકીની ૩ મેચો તે લાજ બચાવવા માટે રમશે. ૧૩૫ રનોનો પીછો કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર શરૂઆત અપાવી હતી. ગાયકવાડે ૩૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસે ૩૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૧ રન બનાવ્યા હતા. જે બાદ મોઈન અલીએ ૧૭ રન તો રૈનાએ આજે પણ નિરાશજનક પ્રદર્શન કરતાં ૨ રન જ બનાવ્યા હતા. જો કે, અંબાતિ રાયડુ અને ધોનીએ ઈનિંગને સંભાળી હતી.
અને ધોનીએ સિક્સ ફટકારીને પોતાની સ્ટાઈલમાં મેચ જીતાડતાં ફેન્સ ખુશખુશાલ થઈ ગયા હતા. રાયડુએ ૧૩ બોલમાં ૧૭ રન તો ધોનીએ ૧૧ બોલમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૪ રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે ૩ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ અને ડ્‌વેન બ્રાવોની શાનદાર બોલિંગ આગળ હૈદરાબાદની ટીમ ૭ વિકેટ પર ૧૩૪ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી ઋદ્ધિમાન સાહાએ સૌથી વધારે ૪૪ રન બનાવ્યા હતા. ત્રીજી જ ઓવરમાં ઓપનર જેસન રોય ૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ બ્રાવોએ ૧૧ ઓવરમાં વિલિયમસનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અને બાદમાં સાહાને અન્ય કોઈ બેટ્‌સમેન પાર્ટનરશિપ માટે સાથ આપી શક્યો ન હતો.

Previous articleગંગુબાઈ છ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે
Next articleમોદીએ સ્વચ્છ ભારત મિશન ૨.૦ પ્રારંભ કરાવ્યો