મોદીએ સ્વચ્છ ભારત મિશન ૨.૦ પ્રારંભ કરાવ્યો

246

દેશના શહેરોને કચરા મુક્ત બનાવવા સરકારનું અભિયાન : યોજના મુખ્યત્વે ટ્રિપલ આર સાથે જોડાયેલી છે જેમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલનો સમાવેશ, ૫ વર્ષમાં શહેરોના કચરાનું વૈજ્ઞાનિક પ્રબંધન કરાશે
નવી દિલ્હી, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શહેરોને કચરા મુક્ત બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૨.૦ (બીજા ચરણ)નો શુભારંભ કર્યો છે. તે સિવાય વડાપ્રધાને અમૃત ૨.૦ની પણ શરૂઆત કરી છે. શુક્રવારે નવી દિલ્હી ખાતે સ્થિત ડોક્ટર આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આની શરૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત વર્ષ ૨૦૩૦ના નિર્ધારિત સતત વિકાસ લક્ષ્યોને સિદ્ધ કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. આ યોજના મુખ્યત્વે ટ્રિપલ આર સાથે જોડાયેલી છે જેમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક આધાર પર કચરાનું સમાધાન કરીને આ લક્ષ્યને સિદ્ધ કરવામાં સફળતા હાંસલ થઈ શકે છે. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આગામી ૫ વર્ષોની અંદર શહેરોમાંથી નીકળતા કચરાનું વૈજ્ઞાનિક પ્રબંધન કરવામાં આવશે. આ કારણે મહાનગરો અને શહેરોની બહાર કચરાના પહાડ બનવાની સ્થિતિ નહીં સર્જાય. આ જ રીતે અમૃતના બીજા તબક્કામાં તમામ શહેરોના દરેક ઘરને નળ વડે જોડવામાં આવશે. તે સિવાય સીવેજના પાણીને સાફ કરીને ફરી ઉપયોગ કરવા લાયક બનાવવામાં આવશે. આ મિશન અંતર્ગત આશરે ૪,૭૦૦ લોકલ બોડીઝને સ્વચ્છ પાણીની આપૂર્તિની પણ શરૂઆત કરાશે. આ યોજનાઓની સૌથી મોટી ખાસ વાત દેશના શહેરોમાંથી નીકળતા કચરા અને તેનાથી બનતા કચરાના પહાડને ઘટાડવામાં મદદ મળશે તે છે. આ યોજના અંતર્ગત દેશમાં આશરે ૨.૬૮ કરોડ સ્વચ્છ પાણીના કનેક્શન લગાવવામાં આવશે જેથી લોકોને સાફ પાણી મળી શકે. ઉપરાંત આશરે ૫૦૦ શહેરોમાં ૨.૬૪ કરોડ સીવર કનેક્શન પણ આપવામાં આવશે જેથી આશરે ૧૦.૫ કરોડ લોકોને ફાયદો થશે.

Previous articleધોનીએ સિક્સ ફટકારીને પોતાની સ્ટાઈલમાં મેચ જીતાડી
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૨૬૭૨૭ નવા કેસ