ભારતમાં સરકારમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા સ્કીલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રોનિયરશીપ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે અમદાવાદ ખાતે સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાને જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ એક કરોડ યુવાનો રોજગારની તકો શોધતા હોય છે. જોકે તેમને એ પણ જણાવ્યું હતું કે સ્કીલ અને ઉદ્યોગ તો દુનિયા ગુજરાતી પાસેથી શીખે છે. ન્યુયોર્કમાં હીરાની મોનોપોલી આજે ગુજરાતી લોકોએ તોડી તેનો હું પ્રત્યેક સાક્ષી છું. યોગ્ય રોજગાર પુરો પાડવા માટે યુવાનોને જરૂરી કૌશલ્ય વર્ધન તાલીમ આપવી જરૂરી બને છે. ઓઈલ ક્ષેત્રની કંપનીઓના સહયોગથી સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટની સ્થાપના આ દિશામાં એક મોટું કદમ છે. યુવા પેઢીની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર એકલા હાથે સ્કીલ ડેવલપમેન્ટ હાથ ધરી શકે નહી. આ માટે પીએસઈ, કોર્પોરેટસ, ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ અને ઔદ્યોગિક ક્ષેત્રોનો મજબૂત સહયોગ પણ જરૂરી છે.
કૌશલ્ય તાલીમ અને ક્ષમતા નિર્માણ દ્વારા દેશના યુવાનોને સક્ષમ બનાવવાના ઉદેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મીશનને હાંસલ કરવાના ઉદેશ્ય સાથે આ ઈન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવી છે. આ સ્કીલ ડેવલપમેન્ટ પહેલ સાથે દેશના યુવાનો માટે રોજગારની નવી તકો અને આવક સર્જન કરવી શકય બનશે.
આ ઉદેશ્યને લક્ષ્યમાં રાખીને પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયે હાઈડ્રોકાર્બન સ્કીલ કાઉન્સીલની સ્થાપના કરી છે, જે વિવિધ રાજયોમાં છ સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટની સ્થાપના અને કામગીરી સુનિશ્ચિત કરશે.
જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ ઓએનજીસી, આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ, ઓઆઈએલ, ગેલ, ઈઆઈએલ અને બાલમેર લોરીએ આ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની જવાબદારી ઉઠાવી છે. આમાંથી ચોથી ઈન્સ્ટીટયુટની સ્થાપના અમદાવાદના અડાલજ ખાતે કરવામાં આવી છે, જેથી ગુજરાત અને આસપાસના રાજયોના યુવાનોની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય. વધુ બે ઈન્સ્ટીટયુટની સ્થાપના ઉત્તર પ્રદેશના રાયબરેલી અને આસામના ગુવાહાટી ખાતે ટૂંક સમયમાં કરાશે.
ઓએનજીસી દ્વારા સ્થપાયેલી એસડીઆઈ અમદાવાદ મુખ્યત્વે ત્રણ પ્રકારની તાલીમ આપશે – ફિટર ફેબ્રિકેશન, વેલ્ડિંગ અને પ્રોડકશન ટેકનીશીયન. એસ્પાયર ડિન્સપ્ટીવ સ્કીલ ફાઉન્ડેશન ટ્રેનિંગ પાર્ટનર છે. ૯૦ વિદ્યાર્થીઓની પ્રથમ બેચનું નામાંકન થઈ ગયું છે, આમાંથી ૭૬ ઉમેદવારો એસસી-એસટી અને ઓબીસી સમુદાયના છે. પ્રત્યેક બેચની તાલીમ છ મહિના માટે રહેશે અને તે સંપૂર્ણપણે રેસિડેન્શિયલ છે.
એસડીઆઈ અમદાવાદના ઉદઘાટન માટે અડાલજમાં શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જાહેર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીજી, ડીજીએચ, અતનુ ચક્રવર્તી, જોઈન્ટ સેક્રેટરી, મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રોનિયરશી, રાજેશ અગ્રવાલ, ઓએનજીસીના ડિરેકટર વી. પી. મહાવર, સરકારના અધિકારીઓ, જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓના અધિકારીઓ ટ્રસ્ટિઓ અને ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Home Uncategorized સ્કીલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટનું કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઉદઘાટન કર્યુ