કલાનો આદર્શ નમુનો ગણાતુ ંઆ કીર્તિમંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફૂટ ઊંચુ બનાવવામાં આવ્યું છે
પોરબંદર,તા.૨
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ગાંધી જયંતીના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. તેમણે પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપીને કૃતજ્ઞતા વ્યકત કરી હતી. આ અવસરે કથાકાર રમેશભાઇ ઓઝા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી પ્રાર્થના સભા બાદ કિર્તિ મંદિર ખાતેથી સ્વચ્છતા યાત્રાને પણ ફ્લેગ ઓફ કરાવી હતી. નોંધનીય છે કે, ૧૯૫૦ની ૨૭મી મેના રોજ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પોરબંદરના સ્વ.નાનજી મહેતાએ ગાંધીજીની સંમતિ મેળવીને તેની રચના કરી હતી. અંધારીયા ઓરડામાં સમગ્ર માનવજાતને નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો અને દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવવંતુ બન્યુ. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમુનો ગણાતુ આ કીર્તિમંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફુટ ઊંચુ બનાવવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિ્વટ કરીને પણ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સત્ય અને અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૨માં જન્મદિવસ પર તેઓની દિવ્યચેતનાને નતમસ્તક વંદન કરું છું.આપણે સૌ પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા જેવા સદ્દગુણોને જીવનમાં અનુસરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલબહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટિ્વટ કરીને લખ્યું હતું કે, ભારત રત્ન,પૂર્વ વડાપ્રધાન તથા સાદગીની પ્રતિમૂર્તિ સ્વ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિવસ પર તેમના ચરણોંમાં કોટિ કોટિ નમન.