વલ્લભીપુર શહેરના વોર્ડ નંબર બેના રહીશો ભગવાન ભરોસે હોય એવો તાલ સર્જાયો છે. શહેરના મોટાભાગના રોડ રસ્તાઓના કામો થયા બાદ પણ વોર્ડ નંબર બેની ઉપેક્ષા સેવાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલ ચાલી રહેલી વરસાદની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને આવાગમનમાં યાતના વેઠવી પડી રહી છે. વલ્લભીપુર શહેરના વોર્ડ નંબર બે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઠેર ઠેર પાણીના તલાવડા ભરાઈ ગયા છે. બંધિયાર પાણી અને આસપાસ ઠલવાયેલી ગંદકીની સફાઈના અભાવે વિસ્તારમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. સફાઈને લઈને સ્થાનિકો બળાપો વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપના ચાર-ચાર ઉમેદવારોને આ વિસ્તારમાંથી ચૂંટીને મોકલ્યા હોવા છતાં કોઈપણ નગરસેવક આ વોર્ડની દરકાર લેતો નથી. વોર્ડ નંબર બે જાણે વલ્લભીપુર શહેરમાં હોય જ નહીં એ રીતે તેની અવગણના થઈ રહી છે. વિસ્તારમાં હરિઓમ શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓને ખરાબ રોડ રસ્તા અને ભરાયેલા પાણીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી આ વિસ્તારમાં હીરાના કારખાના પણ આવેલા છે. કાયમ રહેતા મચ્છરોના ત્રાસને કારણે રત્નકલાકારો બીમાર પડીને રોજી રોટી ગુમાવી રહ્યા છે. એક તરફ મેલેરિયા, ચીમનગુનિયા, ટાઈફોડ, ડેન્ગ્યુ જેવી ઋતુગત બીમારીએ માથું ઊંચક્યું છે ત્યારે વોર્ડ નંબર બેના રહીશોએ પાલિકામાં કરેલી વારંવારની રજુઆત બાદ પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં વ્યાપક રોષ ફેલાઈ રહ્યો છે.