ગાંધીનગરમાં અઢી કલાક દરમિયાન સરેરાશ ૧૨% જેટલું મતદાન થયું છે. સવારે એક કલાક દરમિયાન જેટલું મતદાન થયું હતું તે પછી મતદાનની ટકાવારીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ધીમે-ધીમે મતદાન મથકો પર મતદાતાઓની ભીડમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯૯ વર્ષના માતાએ પણ મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરના રાયસણમાં રહેતા માતા હીરાબાએ વોર્ડ નંબર-૧૦ના મતદાન મથક પર પહોંચીને પતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાયસણમાં આવેલા વાડીભાઈ વિદ્યા સંકુલમાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ જ્યાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા તે વોર્ડ નંબર-૧૦નું બૂથ નંબર ૪ હતું. પીએમ મોદીના ભાઈ પંકજભાઈ મોદી સાથે હીરાબા કારમાં આગળની સીટ પર બેસીને મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે પોતાના કરેલું શાહીનું નિશાન બતાવ્યું હતું. ૯૯ વર્ષના હોવા છતાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેઓ હંમેશા પોતાના મતાધિકારનો અચુક ઉપયોગ કરે છે. તેમના માટે મતદાન મથક પર વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે, તેમણે તેનો ઉપયોગ કરવાના બદલે ચાલીને મતદાન મથક પર પહોંચ્યા હતા.શહેરના ૨૮૪ બૂથમાંથી ૪ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૪૪ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે ૧૧ વોર્ટમાં ૫ ચૂંટણી અધિકારી અને ૧૭૭૫ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય અહીં ૧૨૭૦ પોલીસકર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.
શહેરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૬૨ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી સૌથી વધારે ઉમેદવાર વોર્ડ નંબર-૧ (સેક્ટર-૨૫, ૨૬ અને રાંધેજા)ના હતા.