આર્યને જણાવ્યું કે તેને પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવાયો હતો : તેની પાસેથી ક્રુઝ પર આવવા ફી લેવાઈ નહતી
મુંબઈ, તા.૩
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોની એનસીબી પૂછપરછ કરી રહી છે. આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે. એનસીબીએ પોતાના ખાસ ઈનપુટ પર બે ઓક્ટોબરના રોજ આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તમામ સંદિગ્ધોની તલાશી લેવાઈ. મળતી માહિતી મુજબ રેડમાં પ્રતિબંધિત ડ્રગ MDMA/ Ecstasy, કોકીન, એડી (મેફેડ્રોન) જેવી વિવિધ ડ્રગ અને ચરસ મળી આવ્યા છે. કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા. એનસીબીની ટીમ દ્વારા રેડ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો અને ત્યાં હાજર તમામ લોકોની તલાશી લેવાઈ. આ મામલે અત્યાર સુધીમાં ૮ લોકોની અટકાયત કરાઈ છે. જેમાં શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જોવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી. આર્યને કહ્યું કે તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા. આ બાજુ પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા તેમને રોલ પેપર આપવામાં આવ્યા હતા. એનસીબીને મોટાભાગના મહેમાનોના રૂમમાંથી રોલ પેપર મળ્યા છે.