ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી

238

મમતા બેનર્જીએ ૫૮ હજારથી વધુ મતે જીત મેળવી : મમતા બેનર્જી પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં પણ સફળ થયા છે મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને પરાજય આપ્યો
ભવાનીપુર, તા.૩
પશ્ચિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં પણ સફળ થયા છે. મમતા બેનર્જીને એકતરફી જીત મળી, તેમણે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને ૫૮,૮૩૨ મતોથી પરાજય આપ્યો છે. મમતા બેનર્જી માટે આ ચૂંટણી ખુબ મહત્વની હતી કારણ કે મુખ્યમંત્રી પદે બન્યા રહેવા માટે તેમણે વિધાનસભાનું સભ્ય બનવું જરૂરી હતું. મમતાના હરીફ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે કહ્યું કે, તે શાલીનતા સાથે હારનો સ્વીકાર કરે છે. તેમણે મમતા બેનર્જીને શુભેચ્છા પણ આપી છે. સાથે પ્રિયંકાએ તે પણ કહ્યું કે, બધાએ જોયું છે કે મમતાએ કઈ રીતે જીત મેળવી છે. મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્ન મનાવવામાં આવી રહયો છે. કાર્યકર્તા એકબીજાને મિઠાઈ ખવડાવી રહ્યાં છે. મમતા બેનર્જીએ પોતાના ઘરની બહારથી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં છે. મમતા બેનર્જીએ ભવાનીપુરના લોકોનો આભાર માન્યો છે. શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ કહ્યું- જ્યારથી બંગાળ વિધાનસભા ચૂંટણી શરૂ થઈ ત્યારથી મારી પાર્ટીની વિરુદ્ધ ષડયંત્ર થતું રહ્યું. ભવાનીપુર નાની જગ્યાં છે છતાં ત્યાં ૩૫૦૦ સુરક્ષાકર્મી મોકલવામાં આવ્યા. મારા પગમાં ઈજા પહોંચાડવામાં આવી જેથી હું ચૂંટણી ન લડી શકું. પ્રથમવાર એવું બન્યું છે કે ભવાનીપુરના કોઈ વોર્ડમાં આપણે હાર્યા નથી. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું- કોઈ પણ જીતનો જશ્ન મનાવશે નહીં. કાર્યકર્તા પૂર પીડિતોની મદદ કરે. તેમણે કેન્દ્ર સરકાર પર પણ હુમલો કર્યો છે. મમતાએ કહ્યું- નંદીગ્રામમાં ન જીતવાના અનેક કારણ છે. જનતાએ અનેક ષડયંત્રને નિષ્ફળ કર્યું છે.
મમતાએ કહ્યું કે, ભવાનીપુરમાં ૪૬ ટકા લોકો બિનબંગાળી છે પરંતુ બધાએ મળીને મત આપ્યા છે. ભવાનીપુરની ચૂંટણી મમતા બેનર્જી માટે મહત્વની હતી કારણ કે પદ પર રહેવા માટે મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવાનું જરૂરી હતું, તે માટે તેમની પાસે ૩ નવેમ્બર સુધીનો સમય હતો.

Previous articleશાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત
Next articleબાળકો માટે Covaxinને જલદી મળી શકે છે મંજૂરી