ભાવનગર એસટીના કર્મચારીઓએ સરકારને ઢંઢોળવા માટે ઘંટ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો

687

માંગણીઓ પુરી કરવામાં નહીં આવે તો 7 ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બસો ના પૈડાં થંભાવી દેવાની ચીમકી
સમગ્ર રાજ્યમાં એસટી નિગમમા ડ્રાઈવર-કંન્ડકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓને લઇને છેલ્લા 12 દિવસથી હડતાલનું રણશિંગુ ફૂંક્યું છે. જેમાં ફરજપર હાજર રહી દરરોજ વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો આપી રહ્યા છે. ત્યારે આજરોજ પોતાની માંગણીને લઇને એસટી કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારને ઢંઢોળવા માટે ભાવનગર એસટી ડિવિઝન ખાતે ઘંટનાદનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત એસટી કર્મચારી મંડળની વિવિધ પડતર માંગો રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર રજૂઆતો છતાં આજદિન સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી બાર દિવસ પૂર્વે ચાલુ ફરજે પ્રતિકાત્મક લડતના મંડાણ માંડ્યા હતા અને છેલ્લા 12 દિવસથી રાજ્યભરમાં આવેલ 136 મુખ્ય ડેપો મથકે દરરોજ નવતર કાર્યક્રમો દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી રહી છે. જેમાં આજરોજ રાજ્ય ના 136 મુખ્ય એસટી ડેપો મથક સાથે ભાવનગર એસટી ડીવીઝન ના વર્કશોપ ખાતે ડ્રાઈવર-કંન્ડકટરો એકઠા થયા હતા અને ઘંટનાદ કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તા, 7 ઓકટોબર સુધીનું અલ્ટીમેટ આપ્યું છે અને જણાવ્યું હતું કે આગામી દિવસ 3 માં સરકાર અમારી માંગ ધ્યાને લઈને પ્રશ્નોનો ઉકેલ લાવે તો ઠીક છે બાકી તા,7 ની મધ્યરાત્રીએ એટલે કે 12 કલાકે રાજ્ય ભરમાં એસટીની બસો જયાં પણ હશે ત્યાં બસોના પૈડાં થંભાવી દેવામાં આવશે અને ડ્રાઈવર-કંડકટરો સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી જશે.

Previous article૨૪ કલાકમાં ૨૨ હજાર કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાયા
Next articleભાવનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં ખરાબ રોડ-રસ્તા અને ગંદકીને પગલે સ્થાનિકો ત્રાહિમામ