ભાવનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં ખરાબ રોડ-રસ્તા અને ગંદકીને પગલે સ્થાનિકો ત્રાહિમામ

652

રોડ, ડ્રેનેજ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સિટી બસ સેવા, આરોગ્ય લક્ષી સેવાઓ સહિતની સુવિધાનો અભાવ
ભાવનગર શહેરના પ્રવેશદ્વારે આવેલી માર્કેટિંગ યાર્ડ નજીક જૂની વસાહત ઈન્દિરાનગર વિસ્તાર આજે પણ વિકાસની રૂપરેખાથી જોજનો દૂર છે. છેવાડાના આ વિસ્તારમાં ગામ આખાંની ગંદકી એકઠી થાય છે. રોડ-રસ્તા કે અન્ય પ્રાથમિક સુવીધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ આવી નર્ક જેવી યાતનાઓમાં કયાં સુધી રહેવું પડશે, એવાં સવાલો સ્થાનિકો કરી રહ્યાં છે.
કોંગ્રેસના કોર્પોરેટર કાંતિભાઈએ જણાવ્યું હતું કે, શહેરના આખલોલ જકાતનાકા નજીક આવેલા ઈન્દિરાનગર વસાહતમાં કોઈ પણ વ્યક્તિ પગ મૂકે એટલે સત્તાધીશો, નેતાઓની ઘોર ઉપેક્ષા સાથે કોઈ શ્રાપિત સ્થળે પહોંચી ગયાં હોય એવી અનુભૂતિ આગંતુકોને અવશ્ય પણે થાય જ ! આ વિસ્તારમાં આઝાદીથી લઈને આજદિન સુધી અતિ આવશ્યક અને જીવન જીવવા માટે અનિવાર્ય એવી પ્રાથમિક સવલતો જેમાં રોડ, ડ્રેનેજ, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઈટ, સિટી બસ સેવા, આરોગ્ય લક્ષી સેવાઓ સહિત અન્ય બાબતોનો આજની તારીખે પણ સદંતર અભાવ છે.
ચોમાસામાં પરિસ્થિતિ અત્યંત કફોડી

આ વિસ્તારમાં મોટા ભાગના લોકો અહીં નજીકમાં જ આવેલી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમિકો રહે છે. આ વિસ્તારમાં બારેમાસ ચોમેર ગટરના ગંધાતા પાણી અને માખી-મચ્છરોનું મુખ્ય ઉદ્દગમ સ્થાન છે. ચોમાસાના ચાર માસ પરિસ્થિતિ અત્યંત કફોડી બને છે.

Previous articleભાવનગર એસટીના કર્મચારીઓએ સરકારને ઢંઢોળવા માટે ઘંટ વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો
Next articleગોવંશ તથા માલધારી સમાજ વિરુદ્ધ પ્રદેશ ભાજપા પ્રમુખે કરેલ નિવેદન સંદર્ભે પ્રમુખ માફી માગે તેવી માલધારી સમાજની માગ