ભાવનગર શહેર કોગ્રેસ માલધારી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર પાટિલે અમદાવાદમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમ માં રોડપર રખડતાં ગૌવંશ તથા માલધારી વિરુદ્ધ કરેલ નિવેદન સંદર્ભે રાજ્યભરના માલધારી સમાજમાં આ નિવેદનના ઘેરા પડઘા પડ્યાં છે અને આ નિવેદન અંગે પાટીલ માલધારી સમાજની માફી માંગે એવી પ્રબળ માંગ સાથે દરેક જિલ્લા કક્ષાએ મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર ને અપાઈ રહ્યાં છે.
મહાનગરોમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓને હટાવી જાહેરમાં છુટ્ટા છોડી દેતાં પશુ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી ટીપ્પણી તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યના પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે કરી હતી. જેને પગલે રાજ્યભરમાં માલધારીઓ રોષે ભરાયા છે અને પાટીલ આ મુદ્દે માલધારી સમાજની માંફી માંગે એવી વાત સાથે સમગ્ર રાજ્યના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ભાવનગર શહેર કોગ્રેસ માલધારી સેલ દ્વારા આજરોજ સીઆર પાટીલ હાઈ હાઈ ના નારા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સંબોધતુ એક આવેદન જિલ્લા કલેક્ટર ને પાઠવ્યું હતું, અમિતભાઈ લવતુકાએ જણાવ્યું હતું કે, મહાનગરોમાં વસતાં માલધારીઓ તથા ગાયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને દાનમાં આપવાનું બંધ કરવામાં આવે, હાલમાં હયાત ગૌચરાણની જમીનોમાં ગેરકાયદે થયેલ દબાણો દૂર કરવામાં આવે, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે, સરકાર ની રહેમરાહે ચાલતા કતલખાનાઓ બંધ કરાવવામાં આવે, જો આ માગણીઓનો તત્કાળ સ્વિકાર કરી પગલાંઓ લેવામાં આવશે તો જાહેરમાં એક પણ પશુ રખડતાં જોવા નહીં મળે એવી ખાત્રી પણ આપી છે.