પ્રિયંકા બાદ હવે અખિલેશ યાદવની પણ અટકાયત

230

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોતની ઘટના બાદ હિંસા વકરી અસરગ્રસ્તોને લઈને રાજકારણ ગરમાયું, ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળ્યો
લખનૌ,તા.૪
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે. આ બાજુ આજે સવારથી જ આ મામલે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા. આ અગાઉ પોલીસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ સીતાપુરમાં અટકાયત કરી હતી. તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા. લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો. ભીડે પોલીસની ગાડીમાં આગ લગાવી છે. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન બહાર ઊભેલી ગાડીને ભીડે આગને હવાલે કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને યુપી પોલીસે લખીમપુર જતા રોક્યા છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. અખિલેશ યાદવ તો પોતાના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયા. તેમણે કહ્યું કે ખેડૂતો પર અંગ્રેજો કરતા પણ વધુ જુલ્મ થયો છે. ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાની પણ માગણી કરી. આ ઉપરાંત તેમણે મૃતક ખેડૂતોના પરિવારનો બે કરોડની મદદ, સરકારી નોકરી અને દોષિતો પર કડક કાર્યવાહીની માગણી કરી. પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ છે. પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ તેમના ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી. તેમણે કહ્યું કે પ્રિયંકા હું જાણું છું કે તું પાછળ નહીં હટે. તમારી હિંમતથી તેઓ ડરી ગયા છે. ન્યાયની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું. અત્રે જણાવવાનું કે અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર આશીષ મિશ્રા ટેની ઉપરાંત અનેક અજાણ્યા લોકો પર એફઆઈઆર દાખલ થઈ છે. લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને ૯ થયો છે. ઘટના બાદથી ગૂમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પત્રકાર રમણ કશ્યપના મોતનો મામલો સામે આવ્યો છે. જે નિઘાસ ક્ષેત્રમાં રહેતા હતા. પરિજનોએ પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહની પુષ્ટિ કરી છે. પત્રકારના પરિજનોએ મૃતદેહ રાખીને નિઘાસન ચાર રસ્તે જામ કર્યો. પરિજનોની માગણી છે કે દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે અને તેને જલદી પકડી લેવામાં આવે.

Previous articleઆર્યન ૭મી સુધી NCB ની કસ્ટડીમાં
Next articleપેંડોરા પેપર્સ લીકમાં સચિન સહિત બોલિવૂડ સ્ટાર્સના નામ આવતા હડકંપ મચ્યો